Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

રાજકોટ જીલ્લામાં આજથી તલવાર-ભાલા-છરી-બંદુક-લાકડી સાથે ફરવાની મનાઇ : જાહેરનામું

લોકોને બૂમો પાડવાની પણ મનાઇ : ભંગ કરનાર સામે કલમ ૧૩પ હેઠળ ગુન્હો

રાજકોટ, તા. ૧ : આગામી ઓગષ્ટ માસમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ (પતેતી), બકરી ઇદ, જન્માષ્ટમીના તહેવારો તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે છે જે ધ્યાને લેતા આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે જાહેરનામું એડી. કલેકટરશ્રી પી.બી. પંડયાએ બહાર પાડયું છે. જેની અમલવારી આજથી તા. ૩૧-૮-ર૦૧૮ સુધી રહેશે.

જાહેરનામાં હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી નહીં ફરી શકાય. કોઇપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની મનાઇ, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની, તથા કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલો લઇ જવાની મનાઇ, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની પણ મનાઇ કરાઇ છે. આ જાહેરનામાનો કોઇ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯પ૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩પ હેઠળ શિક્ષાને પાત્ર થશે તેમ ઉમેરાયું છે. (૮.૧૯)

(4:00 pm IST)