Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જંગલેશ્વર ખોડિયાર ચોકમાં બે પરિવાર વચ્‍ચે જુના મનદુઃખમાં ડખ્‍ખોઃ ૮ને રાઉન્‍ડ અપ કરાયા

દિકરીને ભગાડી જવા મામલે મનદુઃખઃ એક પરિવારના સગાઇ પ્રસંગમાં બખેડોઃ ભક્‍તિનગર પીઆઇ એલ. એલ. ચાવડા અને સ્‍ટાફે ત્‍વરીત પહોંચી મામલો શાંત પાડયોઃ સુલેહશાંતિ ભંગ બદલ કાર્યવાહી

રાજકોટ તા. ૧: આજે અષાઢી બીજના દિવસે જંગલેશ્વરના ખોડિયાર ચોકમાં રહેતાં એક આહિર પરિવારને ત્‍યાં સગાઇ પ્રસંગ હોઇ તે વખતે જ બીજા આહિર પરિવારના લોકોએ આવી માથાકુટ શરૂ કરતાં બંને પક્ષના લોકો વચ્‍ચે ગરમાવો સર્જાયો હતો અને મોટી માથાકુટ થઇ જાય તેવી સ્‍થિતિ ઉભી થઇ હતી. પરંતુ બનાવની જાણ થતાં જ પીઆઇ એલ. એલ. ચાવડા સહિતનો સ્‍ટાફ પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડી બંને પક્ષના મળી આઠ લોકોને રાઉન્‍ડ અપ કરી સુલેહશાંતિના ભંગ બદલ પગલા લેવા તજવીજ કરવામાં આવી હતી.
જંગલેશ્વર ખોડિયાર ચોકમાં રહેતાં બકુત્રા અને ડવ પરિવારના લોકો વચ્‍ચે લાંબા સમયથી છોકરીને ભગાડી જવા મામલે મનદુઃખ ચાલી રહ્યું છે. એ દરમિયાન આજે ડવ પરિવારમાં સગાઇનો પ્રસંગ હતો ત્‍યારે બકુત્રા પરિવારના લોકો આવતાં બંને પક્ષ વચ્‍ચે માથાકુટ થઇ ગઇ હતી. ડખ્‍ખો વકરે મોટો બખેડો થાય એ પહેલા પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ રાયજાદા, એએસઆઇ હંસાબેન, કોન્‍સ. મયુરભાઇ ઠાકર અને ડી. સ્‍ટાફની ટીમે પહોંચી જઇ મામલો થાળે પાડયો હતો.
પોલીસે સુલેહશાંતિનો ભંગ કરવા બદલ બંને પક્ષના ચાર ચાર લોકોને રાઉન્‍ડ અપ કરી બખેડાનો ગુનો નોંધવા તજવીજ કરી હતી. પોલીસ સમયસર પહોંચી જતાં મોટી મારામારી થતી અટકી હતી.  પોલીસે સુખા નાગદાનભાઇ બકુત્રા, વિપુલ ઉર્ફ ગડો સુખાભાઇ બકુત્રા, વિપુલ ઘોઘાભાઇ બકુત્રા, શોભુબેન ધર્મેશભાઇ બકુત્રા, રણજીત બાબુભાઇ ડવ, રાવત ગીગાભાઇ ડવ, સોનલબેન મનવીરભાઇ મિયાત્રા અને ગીતાબેન ભગાભાઇ ડવ સામે પોલીસે પગલા લીધા હતાં.

 

(4:14 pm IST)