Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ખાનગી કોલેજની મંજૂરી મુદ્દે કલાધર આર્ય અને રાજેશ કાલરીયા વચ્ચે તડાપીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખનખનીયાનો ખેલ.... :૧૧ મિનિટ બુમ બરાડા પાડ્યા : અંતે નિદત બારોટે દરમિયાનગીરી કરીને બંનેને શાંત પાડ્યા

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ધંધાદારી કહેવાતા કેળવણીકારો અને કોંગ્રેસ ભાજપના આગેવાનોની ભાગ બટાઈ વચ્ચે ખાનગી કોલેજોને મંજૂરી તેમજ નવા અભ્યાસક્રમને બેરોકટોક છૂટ આપવામાં આવી હતી. ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ બેઠક યોજાઈ હતી. જેમાં ખાનગી કોલેજોને મંજૂરી મુદ્દે ભાજપના સીન્ડીકેટ સભ્યો ડો.કલાધર આર્ય અને રાજેશ કાલરીયા વચ્ચે ભારે તડાપીટ બોલી હતી.

બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠકમાં ભાજપના ડો.કલાધર આર્યએ મુદ્દો ઉઠાવ્યો હતો કે નવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો એકટ ૪૨ (૧) સ્ટેચ્યુટ  ૧૨૧ પ્રમાણે અમલ કરીને આપવામાં આવે છે? આ મુદ્દો આવતા જ કણસાગરા કોલેજના પ્રિન્સીપાલ રાજેશ કાલરીયા અચાનક ઉગ્ર બની આ મુદ્દો ન ઉઠાવવો જોઈએ તેવા ઉંચા અવાજે કહેતા જ કલાધર આર્ય પણ તેની લાક્ષણીક અદામાં જણાવ્યુ હતું કે મિસ્ટર કાલરીયા હું ઉંચો અવાજ સાંભળવા માંગતો નથી. તમે ખોટા ઉગ્ર બની અને ઉંચા અવાજે વાત ન કરો. નિયમની વાત કરો. તમે જો ઉભા થઈને ઉંચા અવાજે બોલશો તો હું ટેબલ પર ચડીને તમારાથી પણ વધુ ઉંચો અવાજ કાઢી શકુ છું. માટે મર્યાદામાં રહીને નિયમ મુજબ વાત કરો.

ડો.કલાધર આર્યએ બેઠકમાં સ્પષ્ટ કર્યુ હતું કે મિ.કાલરીયા મારે એક પણ કોલેજ નથી. મારે કોઈ કોલેજ સાથે ભાગીદારી પણ નથી. હું અન્યોની જેમ કોઈ ખાનગી રીતે પણ જોડાયો નથી. હું મારી વાત નિયમ મુજબ કરૃ છું. કલમ એકટ ૪૨(૧) અને ૧૨૧ પ્રમાણે થાય તે માટે પ્રયત્નશીલ છું. ઉશ્કેરાયેલા પ્રિન્સીપાલ રાજેશ કાલરીયાએ ફરી ઉભા થઈને કહ્યું કે ચાલો બહુમતીના જોરે આ મંજૂર કરીએ. ત્યારે કલાધર આર્યએ કહ્યું કે રજીસ્ટાર આ અનુસ્નાતક અભ્યાસક્રમ મંજૂરી સામે મારો વિરોધ છે, હું અસહમત છું. આવી રીતે ભાગબટાઈમાં હું સામેલ નહિં થાઉં..... તેમ કહી ડો.કલાધર આર્યએ ચાલતી પકડી હતી.

પ્રિન્સીપાલ રાજેશ કાલરીયાએ મીટીંગમાં સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે શિક્ષણમાં તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. સંખ્યા ન થાય માટે જયાં વાલી અને વિદ્યાર્થીનો ભરોસો હોય તેવી સારી કોલેજોને અટકાવવાની નબળી માનસીકતા દૂર થવી જોઈએ. એ ગ્રેડમાંથી બી ગ્રેડ બની ગયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ આવી નબળી માનસિકતા જવાબદાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાણકય ગણાતા ડો.નિદત બારોટે ભાજપના જ બે સીન્ડીકેટ સભ્યો વચ્ચે વિવાદ ઉગ્ર બનતા તેઓએ દરમિયાનગીરી કરીને કલાધર આર્યને સમજાવ્યા હતા.

કાલરીયા અને કલાધર આર્ય વચ્ચે ચાલતી બઘડાટીમાં અન્ય સભ્યોએ ખૂબ મનોરંજન માણ્યુ હતું.

(3:50 pm IST)