Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મનપાના ૩ બીએચકે ફલેટના ફોર્મની મુદત પુર્ણઃ ૭૬૯ સામે ૧૭પ૦ ફોર્મ આવ્યા

ત્રણ-ત્રણ વખત મુદત વધારાઇ હતીઃ પ૮૦૦ ફોર્મ ઉપડયા હતાઃ હવે ટૂંક સમયમાં ડ્રો

રાજકોટ તા. ૧ :.. મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં એમઆઇજી (૩ બીએચકે) કેટેગરીના બની રહેલા ૧ર૬૮ પૈકીના ૭૬૯ આવાસ માટે પ૮૦૦ ફોર્મ ઉપડયા હતાં. ગઇકાલે છેલ્લી મુદત સુધીમાં ૧૭પ૦ ફોર્મ પરત આવ્યા છે. હવે આ ફોર્મની ચકાસણી બાદ ટૂંક સમયમાં ડ્રો થશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મળતા તેઓ ઘરનું ઘર વસાવી શકે છે. મનપા દ્વારા નાના મવા રોડ, વિમલનગર મેઇન રોડ, ઓસ્કાર ગ્રીનસીટી પાસે તથા મવડીથી પાળ ગામના રોડ ખાતે કુલ ૧ર૬૮ આવાસોનું નિર્માણ કરાયું છે.  જેમૉથી ૭૬૯ ખાલી આવાસો માટે માર્ચ માસમાં સ્ટેન્ડીંગ દ્વારા તેની કિંમત ર૪ થી ઘટાડી ૧૮ લાખ કરવામાં આવી હતી.

આવાસ યોજનામાં ૩ બીએચકેના ફલેટ માટે એકવાર નહીં પણ ૩-૩ વાર મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. ૭૬૯ આવાસો સામે કુલ પ૮૦૦ ફોર્મ ઉપડયા હતાં. જેમાંથી ૧૭પ૦ ભરીને પરત આવ્યા હતાં. ગઇકાલે તા. ૩૦ જુનના રોજ મુદત પૂર્ણ થઇ ગઇ છે.

મનપા દ્વારા હવે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ડ્રો અને ફાળવણીની કાર્યવાહી હાથ ધરાશે. મનપા દ્વારા સૌ પ્રથમવાર ર૧ એપ્રિલના રોજ ફોર્મ વિતરણ શરૃ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૭ મેથી બીજી વખત ૧૬ જૂન સુધી યોજના લંબાવામાં આવી હતી. યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા મનપાએ ત્રીજી વાર ૩૦ જુન સુધી મુદતમાં વધારો કર્યો હતો.

(3:35 pm IST)