Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભગવાન જગન્નાથજીની રંગેચંગે નગરયાત્રા : જય રણછોડના નાદથી રાજકોટના માર્ગો ગુંજી ઉઠયા

રાજકોટ : ‘જય રણછોડ માખણ ચોર' ના નાદથી આજે રાજકોટના માર્ગો ગુંજી ઉઠયા હતા. નાનામવા કૈલાષધામ આશ્રમ દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રાનું આયોજન કરાયુ છે. કોરોના કાળ પછી લોકોને ઉત્‍સવી માહોલ મળ્‍યો હોય અનેરો આનંદ છવાયો છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના સુશોભિત રથને આજે વહેલી સવારે પૂજા અર્ચના બાદ પ્રારંભ કરાવાયો હતો. રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજી જાડેજા, ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ તેમજ પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવના હસ્‍તે પૂજનવિધી કરાઇ હતી. આ પ્રસંગે જોઇન્‍ટ સંયુકત પોલીસ કમિશ્‍નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ શ્રી પાર્થરાજસિંહ, ટ્રાફીક એ.સી.પી. શ્રી વી. આર. મલ્‍હોત્રા, ઘનશ્‍યામસિંહ જાડેજા તેમજ શહેરના વિવિધ સંસ્‍થાના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. નીજ મંદિરેથી પ્રસ્‍થાન કરાવાયા બાદ આ નગરયાત્રા મોકાજી સર્કલ તરફ આગળ વધી હતી. યુનિ. રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ થઇને નિયત રૂટ ઉપર પસાર થયેલ આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્‍વાગત કરાયુ હતુ. ભાવિકોને ફણગાવેલા મગની પ્રસાદીનું વિતરણ કરાયુ હતુ. દરમિયાન ચોકે ચોકે દોરડા અને લાઠીદાવના હેરતભર્યા પ્રયોગો રજુ થયા હતા. લોકોએ હરખભેર દોરડા ખેંચીને રથ આગળ વધારવાનો લ્‍હાવો લીધો હતો. તે સમયની વિવિધ તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:11 pm IST)