Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કાલથી પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકનો કડક અમલ કરાવવા મનપા તંત્ર સજ્જ

નિયમનો ભંગ કરનાર પ્‍લાસ્‍ટીક સ્‍ટીક સાથે ઇયર બર્ડ, ફુગ્‍ગા માટે પ્‍લાસ્‍ટીક દાંડી, કેન્‍ડી સ્‍ટીક સહિતના સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકના એકમો સામે કાયદેસરની કાર્યવાહી : અમીત અરોરા

રાજકોટ તા. ૩૦ : દેશભરમાં આવતીકાલથી સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકની ચીજવસ્‍તુઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્‍યો છે ત્‍યારે આનો કડક અમલ કરાવવા મહાનગરપાલિકા તંત્ર સજ્જ છે.

પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમો ૨૦૧૬ના સુધારેલા નિયમો ૪(ર) પોલીસ્‍ટાયરીન અને એક્ષ્પાન્‍ડેબલ પોલીસ્‍ટાયરીન સહિતની સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક કોમોડોટીનું ઉત્‍પાદન, આયાત, સ્‍ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ ૧લી જુલાઇ, ૨૦૨૨થી પ્રતિબંધિત રહેશે.

(અ) પ્‍લાસ્‍ટિક સ્‍ટીક સાથે ઇયરબર્ડસ, ફુગ્‍ગાઓ માટે પ્‍લાસ્‍ટીક દાંડી, પ્‍લાસ્‍ટિક ધ્‍વજ, કેન્‍ડી સ્‍ટીકસ, આઇસ્‍ક્રીમ દાંડી, પોલીસ્‍ટાઇરીન (થર્મોકોલ)ની સજાવટની સામગ્રી

(બ) પ્‍લેટો, કપ, ગ્‍લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્‍ટ્રો જેવી કટલેરી, મીઠાઇના ડબ્‍બા, નિમંત્રણ કાર્ડ તથા સિગારેટ પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્‍મ, ૧૦૦ માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્‍લાસ્‍ટિકનો સમાવેશ થાય છે.

પ્‍લાસ્‍ટિકથી પર્યાવરણને નુકસાન થાય છે એ હકીકત ધ્‍યાને લઇ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવો જોઇએ. આપણે સૌ આ પ્‍લાસ્‍ટીકની આહુતિ આપીએ જે પર્યાવરણ માટે નુકશાનકારક છે.

આ અંગે મ્‍યુનિ. કમિશનર દ્વારા ઉપરોકત સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકની ચીજવસ્‍તુઓનો ઉપયોગ ન કરવા અખબારોમાં જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્‍યું છે કે, આ હુકમનું પાલન નહિ કરનાર એકમોને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ નિયમ ૨૦૨૧ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આવતીકાલથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકની ચીજવસ્‍તુઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે ત્‍યારે શહેરમાં આ અમલવારી માટે મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની અધ્‍યક્ષતામાં મીટીંગ યોજાશે. આ મીટીંગમાં અધિકારીઓ અને કર્મચારીઓને તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવશે.

મનપાના સોલિડ વેસ્‍ટ શાખા દ્વારા આવતીકાલે આ નિયમનો અમલ કરાવવા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ચેકીંગ હાથ ધરાશે.(૨૧.૩૬)

કલેકટર તંત્ર દ્વારા પણ કાલથી

જિલ્લામાં સીંગલ પ્‍લાસ્‍ટીક ઉપર ધોંસ

રાજકોટ : આવતીકાલથી દેશભરમાં સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકના ઉત્‍પાદન - વપરાશ - વેચાણ ઉપર પ્રતિબંધ લદાશે. ત્‍યારે રોજબરોજના ઉપયોગમાં પ્‍લાસ્‍ટીક સ્‍ટીક સાથેના ઇયર બર્ડ, ફુગ્‍ગાની દાંડી, કેન્‍ડી સ્‍ટીક, મીઠાઇ ઉપરના પ્‍લાસ્‍ટીક, ડેકોરેશનની થર્મોકોલ આઇટમો વગેરે બંધ થશે.

કલેકટર તંત્ર રાજકોટ જિલ્લામાં સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીકના એકમો ઉપર કાલથી ધોંસ બોલાવશે. અધિકારીઓએ જણાવેલ કે, જિલ્લામાં સીંગલ યુઝ પ્‍લાસ્‍ટીક બંધ થાય તે માટે કડકમાં કડક પગલા લેવાશે અને પકડાશે તેની સામે કાયદેસરના પગલા લેવાની પણ કાર્યવાહી કરાશે.

(3:05 pm IST)