Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો ઓનલાઇન લોક દરબાર સફળ : ૩ર નાગરિકો જોડાયા

વરસાદી પાણી ભરાઇ જવા, રસ્તામાં ખાડા, પીવાનું પાણી નહી મળતુ હોવાની ફરીયાદોનો ઢગલો

વિપક્ષી નેતા દ્વારા આજે ગુજરાતનો સૌ પ્રથમ ઓનલાઇન લોક દરબાર યોજાયો હતો. તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ 'ઝુમ'મીટીંગના માધ્યમથી નાગરીકો સાથે સીધી જ વાતચીત કરી ને ફરીયાદો સાંભળી  રહેલા દર્શાય છે.

રાજકોટ, તા., ૧: મહાનગરપાલિકા પાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે જેમાં આજરોજ તા.૧ ના ગુરુવારના રોજ  સવારે ૧૧ૅં૦૦ કલાકે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફકત ૩૦ મિનીટમાં જ ૩૨ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં ગંદકી-કચરા-સાફસફાઈની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ વરસાદી પાણી ભરાવા, રોડ-રસ્તામાં ખાડા, ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવા માટે, પીવાના પાણી સમયસર ન મળવા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઓફલાઈન પરીક્ષા ન કરવા, ગટરના ઢાંકણા નાખવા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૩૨ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

તેમજ વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના અમુક નાગરિકો ટેકનીકલ ઈશ્યુ ના કારણે વર્ચ્યુઅલ લોકદરબારમાં જોડાઈ શક્યા ન હતા તે નગરજનો અમોને ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે જેથી સત્વરે નિકાલ થાય અને રાજકોટ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળી રહે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તેવું ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે તેમજ રાજકોટના નગરજનો http://bit.ly/CLP_RMC પર ફરિયાદો નોંધાવે તેવી જાહેર જનતાને અપીલ કરી છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(4:01 pm IST)