Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

'કોરોના થયા પછી મનની દશા નેગેટિવ થઇ ગઇ છે, તું કયારે મરીશ?' એવા વિચારો જ આવે છે...ચિઠ્ઠી લખીને ડેરીના કર્મચારીએ ઝેર પીધું

પહેલા હું જિંદગી જીવતો અને હવે જીવું એમાં ઘણો તફાવત છે. હું ડરપોક કે હારેલો નથી, માનસિક રીતે થાકી ગયો છું...મારા પગલા પાછળ કોઇ જ નહિ, હું પોતે જ જવાબદાર છું, કોઇને હેરાન ન કરતાં: વાણીયાવાડીના યુવાન હાર્દિક મહેતાનો ઘંટેશ્વર પાસે આત્મહત્યાનો પ્રયાસ : મારો સ્વભાવ મને નડી ગયો, તેના લીધે જ હેરાન થયો : માતા-પિતા-બહેન-બનેવીની માફી માંગી લખ્યું-તમે મારા માટે ઘણુ કર્યુ, હું સારો પુત્ર ન થઇ શકયોઃ સંસ્થાના કર્મચારીઓના સપોર્ટથી જ આટલુ જીવ્યો, હવે પોઝિટિવીટી આવતી જ નથી, હું બધાને આત્મહત્યા કરવાની ના પાડુ છું, પણ હવે કોઇ ઓપ્શન નથી

રાજકોટ તા. ૧: કોરોનાને કારણે અનેક લોકોની માનસિક હાલત બગડી ગઇ હતી. હજુ પણ કેટલાક લોકો મગજમાંથી કોરોનાને કાઢી શકતાં નથી. શહેરના વાણીયાવાડી જલારામ ચોકમાં રહેતાં અને દૂધની ડેરીમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હાર્દિક જયવંતકુમાર મહેતા (ઉ.વ.૩૦) નામના યુવાને સવારે છએક વાગ્યે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેના રોડ પર ઝેરી દવા પી લેતાં ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે-'મારા મનની દશા કોરોના થયા પછી એકદમ નેગેટિવ થઇ ગઇ છે, પોઝિટિવ વિચારો આવતા જ નથી, હાસ્યાસ્પદ વિચારોમાંથી નેગેટિવિટી એટલી આવી છે કે હવે જીવવું ગમતું નથી...બસ એક જ વાત યાદ આવે છે-તું કયારે મરીશ, તું કયારે મરીશ?'. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી છે. અગાઉ પણ હાર્દિકે આવો પ્રયાસ કર્યો હતો.

સવારે હાર્દિક ઘરેથી નીકળી ગયા બાદ ઘંટેશ્વર પાસે પહોંચી ઝેર પી જતાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાજીદભાઇ ખેરાણી અને અનુજભાઇ ડાંગરે પહોંચી તેનું નિવેદન નોંધવા તજવીજ કરતાં એવી વિગતો ખુલી હતી કે હાર્દિક એક બહેનથી મોટો છે. બહેન સાસરે છે. પોતે દૂધની ડેરીમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. હાર્દિકના પિતા બેંકના નિવૃત કર્મચારી છે. હાર્દિકને અગાઉ કોરોના થઇ ગયો હોઇ ચોૈદ દિવસ ઘરમાં રહેવું પડ્યું હતું. ત્યારથી તેનો મગજ ભમતો રહે છે. ખોટા વિચારો આવતાં હોઇ અગાઉ પણ આવો પ્રયાસ કર્યો હતો.

હાર્દિકે એક ચિઠ્ઠી લખી છે. જેમાં તેણે લખ્યું છે કે-હું હાર્દિક જયંતકુમાર મહેતા, શાંતિ-સદન, જલારામ ચોક ખાતે રહુ છું અને હું આત્મહત્યા કરુ છું તેનો જવાબદાર હું પોતે જ છું. આ માટે કોઇપણ જવાબદાર નથી. મહેરબાની કરી મારા પડોશી, મિત્રો, પરિવારજનો કે સહકર્મચારીઓને હેરાન કરતાં નહિ. એ લોકોએ જ મને સહકાર આપ્યો છે. હું તેમનો ખુબ જ આભારી છું. મારી મનની દશા કોરોના પછી એકદમ નેગેટિવ થઇ ગઇ છે. મને મારા પરિવાર અને મિત્રો તથા સંસ્થાના કાર્યકર્તા કર્મચારીઓ ખુબ જ પોઝિટિવ રહેવા મદદ કરે છે. પરંતુ મારો સ્વભાવ જ ખરાબ થઇ ગયો હતો. મને પોઝિટિવ વિચાર આવતા જ નહોતાં. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ એક બે દિવસ પછી ફરી નેગેટિવ આવી જાય કે આ દુનિયામાં કાંઇ નથી, બધુ નકામુ છે. એવા તદ્દન હાસ્યાસ્પદ વિચાર આવે. પરંતુ તેમાંથી નેગેટિવિટી એટલી આવી કે જીવવું ગમતું નથી. પહેલા હું જિંદગી જીવતો અને હવે જીવું એમાં ઘણો તફાવત છે. હું ડરપોક કે હારેલો નથી, માનસિક રીતે થાકી ગયો છું. મમ્મી પપ્પાને ખુબ હેરાન કર્યા છે. તેમણે મને બધી રીતે સાથ આપ્યો છે, પૈસા બાબતે હોય કે મારી જીદ બાબતે તે પુરી કરતાં હતાં. પણ હું સારો પુત્ર ન થઇ શકયો.

ચિઠ્ઠીમાં હાર્દિકે આગળ લખ્યું છે કે પરિવારજનોનો સ્વભાવ ખુબ લાગણીશીલ છે પણ હું જ આ કુટુંબ માટે 'નાલાયક' નીકળ્યો. તે વાતનું મને ખુબ જ દુઃખ છે. મમ્મી, પપ્પા, બહેન પણ લાગણીશીલ છે. બહેન આ વર્ષે હું રાખડી બાંધવા માટે હોઇશ નહિ, પરંતુ મર્યા પછી પણ આ ભાઇ તારી રક્ષા કરશે તું ચિંતા કરતી નહિ. બનવીને ઉદ્દેશીને લખ્યું છે કે-ધવલકુમાર તમે ઘણા દયાળુ છો, મને માફ કરી દેજો, મારા બહેનને તમે સાચવો જ છો છતાં હું દુનિયામાંથી જાઉ છું એટલે ચિંતા થવાથી તમને કીધું, ખોટુ ન લગાડતાં.

હાર્દિકે આગળ લખ્યું છે કે જિંદગી જીવવાની ઇચ્છા ખુબ જ હતી. પરંતુ મારો સ્વભાવ જ મને નડી ગયો. તેના લીધે હું લાઇફમાં ખુબ હેરાન થયો છું. આજે પણ ભોગવું છું. મિત્રો, પરિવાર, સંસ્થાના સહકર્મચારીઓના સપોર્ટથી આટલું જીવ્યો છું. પણ હવે પોઝિટિવિટી આવતી જ નથી, હું બધાને કહુ છું કે આત્મહત્યા ન કરાય, પરંતુ મારા સંજોગ અને હાલત એવા થઇગયા છે કે હવે ઓપ્શન નથી. સતત એક જ વાત યાદ આવે છે કે તું કયારે મરીશ? કયારે મરીશ? મને જીવવું ગમે છે. હું ગાંડો કે પાગલ નથી કે કોઇ માનસિક રોગ નથી. પણ ખબર નહિ જીવન જીવવું જ પસંદ નથી. મારા અમુક ખોટા નિર્ણયો ખોટી આદતોનો લીધે ઘણાને મેં દુઃખી કર્યા છે. બધાની હું માફી માગુ છું. મમ્મી પપ્પા બહેનને ઉદ્દેશની લખ્યું છે કે તમે રડતાં નહિ, રડશો તો મને દુઃખ મળશે. મારા અસ્થી દ્વારકામાં પધરાવજો. છેલ્લે કહુ છું કે મારી આત્મહત્યા પાછળ કોઇપણ વ્યકિત કે કારણ કે વસ્તુ જવાબદાર નથી. મં કોઇ પાસેથી રૂપિયા લીધા નથી કે કોઇને દીધા નથી. મારા ફોનના ડેટા પણ હું જાતે જ રીસેટ કરુ છું. કોઇ જવાબદાર નથી. મારા છેલ્લા જયશ્રી કૃષ્ણ, રાધા કૃષ્ણ, જય અંબે.

પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ હાર્દિક નેગેટિવિટીમાંથી બહાર આવી ન શકતાં આવુ પગલુ ભર્યુ હતું. તે સારવાર હેઠળ છે.

(3:36 pm IST)