Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સમગ્ર દેશમાં રાજકોટને ગૌરવ અપાવતી પડધરીની આશા ગ્રામ સખી સંઘની બહેનો

ભારતની સક્રિય કામગીરી કરતી પ્રથમ ૧૦ સોશિયલ એકશન કમીટીમાં થયેલી પસંદગી

રાજકોટ તા.૧ :  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં સારી સોશીયલ એકટીવીટી કરનાર પ્રથમ દશ સોશિયલ એકશન કમીટી માટેના થયેલ સર્વેમાં ગુજરાત રાજયમાંથી એક માત્ર પડધરી ગામ ખાતે કાર્યરત આશા ગ્રામ સખી સંઘની પસંદગી થઇ છે. આમ પડધરી ખાતેની આશા ગ્રામ સખી સંઘની બહેનોએ સમગ્ર દેશમાં રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજકોટને અનેરૂ ગૌરવ અપાવ્યું છે.

ભારત સરકારની ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત ગ્રામ સંગઠનોની રચના કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદેશ્ય આ સંગઠનો સાથે સંકળાયેલી બહેનોને આર્થિક પ્રવૃતિ દ્વારા ઘરઆંગણે આજીવિકા રળવાની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બહેનો આર્થિક પગભર બની શકે. આ સંગઠનોમાં બનાવવામાં આવતા પેટા સંગઠનોમાં સોશિયલ એકશન કમીટીની રચના કરવામાં આવે છે. જે સામાજિક મુદ્દાઓ પર કાર્ય કરે છે.

ભારતભરમાંથી દરેક રાજયમાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રથમ દશ સોશીયલ એકશન કમીટીમાં રાજકોટ જિલ્લાની પડઘરીની આશા ગ્રામ સખી સંઘની પસંદગી કરવામાં આવી છે. આશા સખી સંઘની બહેનો દ્વારા કુલ ચાર મુદ્દાઓ પર કરેલી ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવાઇ હતી. જેમાં આ વિસ્તારમાં વસતા દેવી પૂજક સમાજને ધ્યાનમાં રાખી બાળ વિવાહ પ્રથા બંધ કરાવવી, કુટુંબ નિયોજન આપનાવવા પ્રોત્સાહિત કરવા, ગ્રામ સંગઠન દ્વારા આર્થિક ધિરાણની પ્રવૃતિ કરી ઉંચા વ્યાજમાંથી મૂકિત અપાવવી તથા બહેનો દ્વારા કરીયાવર અને આણાની વિવિધ વસ્તુઓ બનાવી તેના દ્વારા આર્થિક પ્રવૃતિમાં જોઙી આજીવીકા રળતી કરવી મુખ્યત્વે કામગીરી કરાઇ હતી.

આશા સખી સંઘની બહેનો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલે બીરદાવતા રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ દશ સોશિયલ એકશન કમીટીમાં પસંદગી મેળવવા બદલ અભીનંદન પાઠવ્યા હતા.

(3:10 pm IST)