Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

એરપોર્ટ ફાટક પાસેથી કારની હડફેટે વૃધ્ધ મહેશભાઇ વોરાનું મોત

રેસકોર્ષ પાર્કના વૃધ્ધધના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૧: શહેરના એરપોર્ટ ફાટક પાસે કારના ચાલકે હડફેટે લેતા રેસકોર્ષ પાર્કમાં રહેતા વૃધ્ધનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્ક બ્લોક નં. ૫ ફલેટ નં. ૨માં રહેતા મહેશભાઇ જયસુખભાઇ વોરા (ઉવ.૭૦) ગઇ કાલે એરપોર્ટ ફાટક પાસે ચાલીને જતા હતા ત્યારે રાજકૃતિ બીલ્ડીંગની સામે જીજે૩એલઆર ૬૨૬૨ નંબરની અર્ટીગા કારના ચાલકે પુરઝડપે આવી વૃધ્ધને હડફેટે લેતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ મારફતે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક મહેશભાઇ અપરણીત હતા તે ઘણા સમયથી માનસીક બીમાર હોય તેથી નાના ભાઇ સાથે રહેતા હતા. આ બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિમલેશભાઇએ મૃતક વૃધ્ધના ભત્રીજી દિશાબેન રમેશભાઇ વોરાની ફરિયાદ પરથી જીજે ૩એલઆર૬૨૬૨ નંબરની અર્ટીગા કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ કે.સી.રાણાએ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)