Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ન્યારી ડેમે પાર્ટી પ્લોટ - ફૂડ કોર્ટના કોન્ટ્રાકટનો ઉલાળિયો : રિ-ટેન્ડર

મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમિટિમાં ૧ દરખાસ્ત પેન્ડીંગ - ૧ ના મંજુર : પાર્ટી પ્લોટના ભાડાની રકમ સહિતના નિયમોનો દરખાસ્તમાં ઉલ્લેખ નહી હોવાથી ફરી ટેન્ડરો પ્રસિધ્ધ થશે : આવાસો ભાડે આપવાની દરખાસ્ત પણ સતત બીજી સ્ટેન્ડીંગમાં પેન્ડીંગ : કુલ ૧.૨૫ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપતા પુષ્કર પટેલ : ૧૫ દરખાસ્તોનો નિર્ણય લેતી સ્ટેન્ડીંગ કમિટિ

મ.ન.પા.માં યોજાયેલ સ્ટેન્ડીંગ કમિટિની સંકલન બેઠકમાં ઉપસ્થિત મેયર પ્રદિપ ડવ, ચેરમેન પુષ્કર પટેલ, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓ તથા ઉપસ્થિત સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો મનીષ રાડિયા, નેહલ શુકલ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ : મ.ન.પા. દ્વારા ન્યારી ડેમે પાર્ટી પ્લોટ - ફૂડ કોર્ટ બનાવવાના કોન્ટ્રાકટની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમ્િટિએ ફગાવી આ કામના રિ-ટેન્ડરની ભલામણ કરી હતી. જ્યારે પોપટપરા વિસ્તારની આવાસ યોજનાના ૬૯૦ ફલેટ ભાડે આપવાનો કોન્ટ્રાકટ બેંગ્લોરની ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત આ સ્ટેન્ડીંગમાં પણ વધુ અભ્યાસ માટે પેન્ડીંગ રખાઇ હતી.

મ.ન.પા. દ્વારા શહેરનાં ન્યારી ડેમ પાસે વાગુદળ વાળા રસ્તા પર નિર્માણ કરાયેલ પ૦ હજાર ચોરસ મીટરનાં બગીચામાં ૪ હજાર ચો.મી.નો મ.ન.પા.ની માલીકીનો સૌ પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવામાં આવનાર છે. જેનાં નિર્માણ અને સંચાલન સાથેનો ૧૦ વર્ષનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત આજે તા. ૧નાં બપોરે ૧ર વાગ્યે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં થયો હતો.

આ અંગે ચેરમેન પુષ્કર પટેલે આપેલી માહિતી મુજબ ''ન્યારી ડેમ પાસે વાગુદળનાં રસ્તે બની રેહલા નવા બગીચામાં ફુડકોર્ટ બનાવી સાથો સાથ લોન પાર્ટી પ્લોટ બનાવી ૧૦ વર્ષ સુધી સંચાલન કરવાનો કોન્ટ્રાકટ આપવા બાબતે નિર્ણય લેવાનો હતો.

આ અંગેની દરખાસ્તમાં જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ન્યારી ડેમ સાઇડે વાગુદડના રસ્તે બગીચાો બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. ન્યારી ડેમના પુર્વ કાંઠે ઇન્સ્પેકશન બંગલોના વિસ્તારમાં પણ એક ગાર્ડન બનાવાયેલ છે. આ ન્યારી ડેમ વિસ્તાર રાજકોટની હદની તદ્દન નજીક અંદાજ ૧૧.૦૦ કિ.મી.ની દૂરી પર હોય, મોટા પ્રમાણમાં શહેરી નગરજનો વિગેરે ફરવા આવતા હોય, સામાન્ય રીતે રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં સ-વિશેષ પ્રમાણમાં પબ્લિક ભારણ રહેતું હોય.

આ વિસ્તારમાં કાલાવડ રોડના મુખ્ય ભાગો લગત નાના મોટા રેસ્ટોરન્ટ કાર્યરત હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકસીત કરાતા આ વિસ્તારમાં ગાર્ડન ડિઝાઇનમાં નિર્દેશ કરાયેલ જગ્યામાં એક ફૂડકોર્ટનું આયોજન કરવામાં આવે તે રાજકોટના નગરજનોની જરૂરીયાત મુજબથી યોગ્ય જણાય છે.

આ વિસ્તાર શહેરથી અલાયદી રીતે હોય, આથી આ વિસ્તારમાં નિર્દેશ કરાયેલ જગ્યામાં આવા કામોના જાણકાર, અનુભવી અને ઉત્સુકતા દર્શાવતા આસામીઓ પાસેથી રાજકોટ મહાનગરપાલિકાની સામેલ શરતો અને સમજુતિઓ મુજબથી જે જગ્યાની ફાળવણી કરવામાં આવે તે રીતેથી ફુડકોર્ટના સ્ટ્રકચર અને જરૂરી સુવિધાઓ સ્વ-ખર્ચે ઉભી કરી/બનાવી અને દશ વર્ષ સુધી સંચાલન કરવા માટે જ ે આસામી કયુમિલેટીવ રીતે વિશેષથી રકમ આપે તેને યોગ્યતા અપાયા બાદ સોંપવામાં આવે તો સ્થાનિકેની જગ્યામાં ફરવા આવતા લોકોને ખાણી-પીણીની વ્યવસ્થા આપી શકાય, સાથોસાથ આ બગીચા વિસ્તારમાં એક ભાગે લોન બેઇઝ પાર્ટી પ્લોટ વિકસીત કરાઇ રહ્યો છે. આ જગ્યામાં ચેઇન્જ રૂમ કે અન્ય વ્યવસ્થા કરવાની હાલ જરૂરીયાત રહેતી નથી ભવિષ્યમાં કામ રાખનાર આસામી અનુમતિ માંગે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવાના થાય છે.

હાલ આ જગ્યામાં ફુડ કોર્ટ સાથે લોન પ્લોટની રેગ્યુલર જાળવણી નિભાવણી પણ એ જે આસામીને સોંપવાની થાય, અને આમ વહિવટી કાર્યવાહીઓ કરવાથી મહાનગરપાલિકાને આર્થિક આવક પણ થઇ શકે.

ઉકત વિગતો ધ્યાને રાખી આ મુજબની ટેન્ડરની શરતો અને સમજુતિઓ મુજબથી આવા કામોના અનુભવી અને ઉત્સુકતા  ધરાવતા આસામીઓ પાસેથી ભાવો માંગવામાં આવતા આ કામે ત્રણ આસામીઓના ભાવો આપ્યા હતા.

જેમાં રજુ થયેલ ભાવોમાં સૌથી વધુ ભાવ મે. સોમનાથ એન્ટરપ્રાઇઝ તરફથી પ્રથમ વર્ષના રૂ. ર,૧૧,પ૮૦.૦૦ અને બાકીના નવ વર્ષની મુદત માટે રજુ થયેલ ભાવ ઉપરાંતથી દર વર્ષે ૧૦.૦૦% (દશ ટકા) રકમ વધારા સાથે આપવાની ઓફર છે.

આ કામે પ્રથમ ઉંચા ભાવ આવેલ છે જે ભાવ કામગીરીની મુદત વિગેરે જોતા ઓછા જણાતા નાયબ કમિશનરશ્રી તરફથી મે. સોમનાથ એન્ટરપ્રાઇઝ સાથે વાટાઘાત કરતા મે. સોમનાથ એન્ટરપ્રાઇઝ તરફથી રજુ કરાયેલ પ્રથમ વર્ષના ભાવમાં વધારો કરી આ કામે રાજકોટ મહાનગરપાલિકાને આ વાટાઘાટ બાદના પ્રથમ વર્ષના ઓફર ભાવ રૂ. ર,પ૧,૦૦૦.૦૦ સાથે અને દર વર્ષે નવ વર્ષ સુધી ૧૦.૦૦% ના કયુમિલેટિવ વધારા સાથે આ જગ્યામાં ફૂડકોર્ટ બનાવી સાથો સાથ હૈયાત લોન પ્લોટસની દશ વર્ષ સુધી પાર્ટી પ્લોટના રૂપમાં આ મુજબની શરતો સમજુતિઓથી સંચાલન કરવા સંમતિ હોય, આ કામગીરીમાં વાટાઘાટ બાદના આવેલ ભાવથી પ્રતિ વર્ષ આ મુજબથી આવક પેટે રકમ વર્ષના ચાર ભાગેથી મળવા પાત્ર થાય છે. વાટાઘાટ બાદના આવેલ ભાવ ડાયકેરટર (પી.એન્ડજી) તથા નાયબ કમિશનરશ્રીના અભિપ્રાયે વ્યાજબીપણું ધરાવતા હોય જે ઓફર ભાવ મંજુર કરવામાં આવે છે.

આ કામગીરીમાં આ મુજબની રાજકોટ મહાનગરપાલિકાને આવક થાય. પ્રથમ વર્ષના ભાવ ર,પ૧,૦૦-૦૦, દ્વિતિય વર્ષ ર,૭૬,૧૦૦-૦૦, તૃતિય વર્ષ ૩,૦૩,૭૧૦-૦૦, ચોથુ વર્ષ ૩,૩૪,૦૮૧-૦૦, પાંચમું વર્ષ ૩,૬૭,૪૮૯-૦૦, છઠ્ઠું વર્ષ ૪,૦૪ર,૩૮-૦૦, સાતમું વર્ષ ૪,૪૪,૬૬૧-૦૦, આઠમું વર્ષ ૪,૮૯,૧ર૮-૦૦, નવમું વર્ષ પ,૩૮,૦૪૧-૦૦, દશમા વર્ષ પ,૯૧,૮૪પ-૦૦ જેની કુલ રકમ ૪૦,૦૦,ર૯૩-૦૦ આવક થશે.

દરમિયાન કોન્ટ્રાકટમાં કામ રાખનાર પાર્ટી પ્લોટ શરૂ કરે ત્યારે નગરજનો પાસેથી કેટલું ભાડું કોન્ટ્રાકટર વસુલ કરી શકે તેના કોઇ નિયમો કે ભાવ બાંધણું કરાયું છે કે કેમ? તે બાબતનો દરખાસ્તમાં કોઇ ઉલ્લેખ નહતો.

આથી આ દરખાસ્ત થોડી શંકાસ્પદ લાગતા સ્ટેન્ડીંગ કમિટિએ આ કોન્ટ્રાકટની દરખાસ્ત નામંજૂર કરી ફરીથી પાર્ટી પ્લોટનું ભાડુ વગેરે નિયમો નક્કી કરી રિ-ટેન્ડર કરવા મ્યુ. કમિશનરને ભલામણ કરી હતી.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટિમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ ચૂકવણાના ઓડીટ રીપોર્ટમાં ૮.૨૪ લાખનું અન્ડર પેમેન્ટ તથા ૩૨.૮૦ લાખનું ઓવરપેમેન્ટ બાબતના રિપોર્ટને મંજુર કરાયેલ તેમજ ૨૦૨૦ જાન્યુઆરીમાં યોજાયેલ ફલાવર-શો તથા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો માટેનો ૩૦ લાખનો ખર્ચ મંજુર કરવા સહિત ૨૪ લાખનો મેનપાવર કોન્ટ્રાકટ, ૬ લાખની તબીબી સહાય વગેરેની ૧૫ દરખાસ્તોનો નિર્ણય લેવાયો હતો અને કુલ ૧.૨૫ કરોડના કામોને ચેરમેન પુષ્કર પટેલે લીલીઝંડી આપી હતી.

સામાકાંઠે ૬૪ લાખનો બગીચો : અલગ મહિલા ગાર્ડન પણ બનશે

રાજકોટ તા. ૧ : આજે મળેલી મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમિટિમાં સામાકાંઠાના કુવાડવા રોડ પર નાગબાઇ પાન સામેની મોરબી રોડ તરફ જતાં ૮૦ ફુટ રોડ ઉપર આવેલ ખુલ્લા પ્લોટમાં મ.ન.પા. દ્વારા ૭ાા હજાર ચો.મી.નો બગીચો બનાવાશે. જેમાં લેન્ડસ્કેપીંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, કસરતના સાધનો વગેરે સુવિધાઓ ઉપરાંત આ બગીચા પાસેથી જ ૩૨૦૦ ચો.મી.નું મહિલા ગાર્ડન બનાવાશે. તેમાં પણ લોન - લેન્ડસ્કેપીંગ, કસરતનો વિભાગ, ધ્યાન - યોગ માટેની જગ્યા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. આ માટે સ્ટેન્ડીંગ કમિટિમાં કુલ ૬૪ લાખનો ખર્ચ મંજુર કરાયેલ.

(3:09 pm IST)