Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના ભાવો વધશેઃ ડુંગળી અને લસણના ભાવો ઘટયા

૭૦ ટકા શાકભાજીની આવકો બહારથી અને ૩૦ ટકા લોકલ આવકોઃ ડુંગળીમાં મણે ૩૦ થી પ૦ અને લસણમાં ર૦ થી ૩૦ રૂ.નો ઘટાડો

રાજકોટ તા. ૧: સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવો વધે તેવી શકયતા છે જયારે ડુંગળી અને લસણના ભાવો તુટી રહ્યા છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના વાવેતર ઉપર અસર થાય તેવી શકયતા છે. હાલમાં રાજકોટના યાર્ડમાં ૭૦ ટકા લીલા શાકભાજીની આવકો બહારથી થાય છે. જયારે ૩૦ ટકા લોકો લીલા શાકભાજીની આવકો થાય છે. જુલાઇના અંતમાં લોકલ લીલા શાકભાજીની આવકો વધીને ૬૦ થી ૭૦ ટકા થાય છે. જુનના અંતમાં અને જુલાઇ માસની શરૂઆતમાં જરૂરીયાત મુજબ વરસાદ ન થતા લોકલ શાકભાજીની આવકો ઘટી રહી છે. અત્યારે મોટા ભાગના લીલા શાકભાજી હોલસેલમાં ૧ કિલો ૧પ થી પ૦ રૂ.માં વેચાઇ રહ્યા છે. આગામી દિવસોમાં સમયસર વરસાદ ન થાય તો લીલા શાકભાજીના ભાવો વધે તેવી શકયતા છે.

હાલમાં રાજકોટ યાર્ડમાં કારેલા, ગુવાર, મરચા, ટમેટા, મરચી સહિતના શાકભાજી બહારથી આવે છે. જયારે રીંગણા, ચોળી તથા કાકડીની લોકલ આવકો થાય છે.

બીજી બાજુ ડુંગળીના ભાવો ઘટી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીમાં મણે ૩૦ થી પ૦ ઘટી ગયા છે. ડુંગળીના ભાવો ઘટીને એક ૩ર૦ થી ૪ર૦ રૂ. થઇ ગયા છે. તેમજ લસણના ભાવમાં મણે ર૦૦ થી ૩૦૦ રૂ. ઘટી ગયા છે. લસણ એક મણના ભાવ ઘટીને ૬૮૦ થી ૯૭ર રૂ. થઇ ગયા છે. વરસાદ ખેંચાતા નબળી કવોલીટીના લસણના ભાવો ઘટયાનું વેપારીએ જણાવ્યું હતું.

(3:08 pm IST)