Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

લોકડાઉન-મંદી છતાં મનપાને ૧૦૭ કરોડની વેરા આવક

રંગ છે રાજકોટ : આર્થિક તંગી છતાં મ.ન.પા.ની તિજોરી છલકાવીઃ મિલ્કત વેરામાં ૧૫ થી ૧૦ ટકા વળતર યોજના પુર્ણ : ત્રણ માસમાં ૨ લાખ પ્રમાણિક કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભર્યોઃ ૩૧ જુલાઇ સુધી ૧૦ અને ૫ ટકા વળતરઃ ગઇકાલે ૧ દિ'માં ૫.૮૧ કરોડની આવક થવા પામી

રાજકોટ તા. ૧: એપ્રિલમાં આવેલ કોરોનાની બીજી લહેરનેે કારણે એક થી દોઢ મહિના આશિંક લોકડાઉનને કારણે પ્રત્યેક ઘરમાં આર્થિક તંગી હતી. ધંધા રોજગારોમાં મંદી આ બધા કારણોને લઇને મ.ન.પા.ની વેરા આવકમાં ગાબડુ પડશે પરંતુ શહેરનાં ૨,૦૦,૨૩૮ પ્રમાણિક કરદાતાઓએ આર્થિક તંગી અને મંદીના માહોલમાં પણ તંત્રની તિજોરી છલકાવી ગઇકાલ ૧૫ થી ૧૦ ટકા વળતર યોજનાના અંતિમ દિન સુધીમાં ૧૦૭ કરોડ જેટલો વેરો ભર્યો છે. ગઇકાલે ૧ દિવસમાં ૯,૨૮૧ કરદાતાઓએ રૂ. ૫,૮૧,૯૪,૩૯૭નો મિલ્કત વેરો ભર્યો છે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તા.૬ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવામાં આવી છે જેમાં ગઇકાલતા.૩૦ જુન  સુધીમાં કુલ ૨,૦૦,૨૩૮ લોકોએ પોતાની મિલકતનો વેરો ભરપાઈ કરી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર ૧૫ થી ૧૦ ટકા વળતર યોજનાનો લાભ લીધો હતો અને રૂપિયા ૧૦૭,૨૬,૫૫,૮૬૯નો વેરો ભરપાઈ કર્યો હતો.

 તા.૩૧ જુલાઇ સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે.

કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ ૧૮ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.

૫૫ કરોડ ઓનલાઇન  ઠલવાણા

૨ લાખ પૈકી ૧.૧૪ લાખ કરદાતાઓએ ઘર બેઠા વળતર યોજનાનો લાભ લીધો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વેરો ભરપાઈ કરવા માટે રૂબરૂ તેમજ ઓનલાઈન સુવિધા આપવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ પોતાનો પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરપાઈ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા એક લાખથી વધુ નાગરિકોએ રૂ. ૫૪,૭૧,૪૦,૯૬૧નો વેરો ભરપાઈ કર્યો છે.

કોરોનાકાળમાં લોકો મનપાની ઓફીસ રૂબરૂ આવવાને બદલે ઓનલાઈન સુવિધાઓનો લાભ મેળવી રહ્યા છે. વધુને વધુ લોકો ઓનલાઈન સિસ્ટમના ઉપયોગ કરી ઘરે કે ઓફીસ બેઠા બેઠા પણ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રોપ્રટી ટેકસ ભર્યો હતો. તા. ૦૧-૦૪-૨૦૨૧ થી ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં ૧,૧૪,૦૯૧ નાગરિકોએ કુલ રૂ. ૫૪.૭૧ કરોડથી વધુ રકમ ઓનલાઇન રૂપે ભરપાઈ કરી છે. જયારે ૫૩,૩૦૪ લોકોએ રૂ.૨૭,૬૯,૪૫,૨૮૪ વોર્ડ ઓફિસે વેરો ભર્યો હતો.

(3:07 pm IST)