Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મિત્રએ ફોન કરી કહ્યું-કબાટ ઉપર હથીયાર મુકયું છે સાચવજે, સંદિપે ત્રણ દિ સાચવ્યું, ચોથા દિવસે મિત્રને બદલે પોલીસ આવી

મિત્રએ ફોન કરી કહ્યું-કબાટ ઉપર હથીયાર મુકયું છે સાચવજે, સંદિપે ત્રણ દિ સાચવ્યું, ચોથા દિવસે મિત્રને બદલે પોલીસ આવી

 

ક્રાઇમ બ્રાંચના પુષ્પરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહની સતત બીજા દિવસે સફળ બાતમીઃ ગોકુલનગરમાંથી ફર્નિચરના કારખાનેદાર સંદિપ મકવાણાની પિસ્તોલ સાથે ધરપકડઃ આપનાર મિત્ર રીઢા ગુનેગાર કિશન બાવડાની શોધખોળ

રાજકોટ તા. ૧: ક્રાઇમ બ્રાંચના બે જવાનની સતત બીજા દિવસે સફળ બાતમી પરથી વધુ એક શખ્સને ગેરકાયદે હથીયાર સાથે પકડી લેવાયો છે. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ગોકુલનગર-૪માં આવેલા મારૂતિ  પ્લાસ્ટીક નામના ફર્નિચરના કારખાના પાસેથી મવડી રોડ ઉદયનગર-૧ શેરી નં. ૨૧ના સંદિપ દિનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૭)ને રૂ. ૧૦ હજારની દેશી પિસ્તોલ સાથે પકડી લેવાયો છે. તેણે પોલીસ સામે રટણ કર્યુ હતું કે પોતાનો મિત્ર કિશન બાવડા આ હથીયાર ત્રણ દિવસ માટે સાચવવા આપી ગયો હતો અને હવે લેવા આવવાનો હતો. જો કે મિત્રને બદલે પોલીસ આવી ગઇ હતી.

કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી સંદિપને દેશી પિસ્તોલ સાથે પકડી તેનો મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો છે. તેણે પુછતાછમાં આ હથિયાર પોતાના મિત્ર એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં કિશન દિલુભાઇ બાવડાએ સાચવવા આપ્યાનું કહેતાં પોલીસ તેને પકડવા પહોંચી હતી. પણ તે હાથમાં આવ્યો નહોતો. સંદિપ ફર્નિચરનું કારખાનુ ધરાવે છે. તેણે એવું રટણ કર્યુ હતું કે ત્રણ દિવસ પહેલા પોતે ઘરે જમવા ગયો હતો ત્યારે મિત્ર કિશને ફોન કરીને કહ્યું હતું કે-તારા કારખાનાના કબાટ પર હથીયાર મુકયું છે એ સાચવજે, ત્રણ-ચાર દિવસમાં હું પાછુ લઇ જઇશ. એ પછી તેણે આ હથીયાર સાચવી રાખ્યું હતું. મિત્ર કિશન પાછુ લેવા આવે એ પહેલા પોલીસ આવી ગઇ હતી.

કિશન બાવડા અગાઉ માલવીયાનગરમાં મારામારીના ત્રણ અને તાલુકા પોલીસમાં મારામારી તથા દારૂ પી વાહન હંકારવાના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તેમજ પાસાની હવા ખાઇ આવ્યો છે અને થોડા સમય પહેલા જ પાસામાંથી છુટ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, સોકતભાઇ ખોરમ સહિતે આ કામગીરી કરી હતી.

(12:52 pm IST)