Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રણછોડનગરની સરસ્વતિ સ્કૂલના બીનઉપયોગી બાથરૂમમાં ધો-૮ની છાત્રા સાથે સુરતના શેખરનો બે વાર બળાત્કાર

બહેનપણીના ફોનમાંથી તેણીના કાકાના દિકરા સુરત રહેતાં શેખર આહુજા સાથે વાતો કરી, બંને વચ્ચે મિત્રતા થઇ, શેખર ગત માર્ચ માસમાં રાજકોટ આવ્યો અને લગ્નની લાલચ આપી હવસ સંતોષી ભાગી ગયો : શાળામાં ચોકીદારી કરતાં વ્યકિતની દિકરી સાથે ભોગ બનનાર ધોરણ-૮ની છાત્રાને મિત્રતા હતીઃ શેખર સુરતથી રાજકોટ આવ્યો ત્યારે ભોળવીને સગીરાને કહ્યું-આપણી જ્ઞાતિ અલગ હોઇ લગ્ન નહિ થઇ શકે, એ પહેલા આપણે શરીર સંબંધ બાંધવો પડશે...તેમ કહી બાથરૂમમાં લઇ ગયો ને દેહ અભડાવી દીધોઃ પ્રેમી શેખરના કહેવાથી ભાગીને સગીરા સુરત ગઇ પણ પ્રેમી તરફથી દગો મળ્યો : લગ્નના ઇરાદા સાથે સગીરા સુરત પહોંચી તો ઢગા શેખરે કહ્યું-હવે લગ્ન શકય નથી તું તારો રસ્તો કરી લે! : વાલીઓ માટે લાલબત્તી રૂપ કિસ્સામાં બી-ડિવીઝન પોલીસે બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધ્યોઃ મહિલા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧: શહેરમાં રહેતાં પડોશી દેશના પરિવારની ધોરણ-૮માં ભણતી ૧૫ વર્ષની બાળાને રણછોડનગરમાં આવેલી સરસ્વતિ શાળાના ચોકીદારીની દિકરી સાથે મિત્રતા હોઇ તેણી અવાર-નવાર આ બહેનપણીના ઘરે જતી હોઇ તેણીના ફોનમાંથી તેણીના સુરત રહેતાં કાકાના દિકરા સાથે વાતચીત કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ ગયા બાદ ગયા માર્ચ મહિનામાં સુરતથી રાજકોટ આવેલા બહેનપણીના પિત્રાઇ ભાઇએ તેણીને લગ્ન કરવાની લાલચ આપી 'આપણી જ્ઞાતિ અલગ છે એટલે લગ્ન નહિ થઇ શકે, પહેલા આપણે શરીર સુખ માણી લઇએ પછી લગ્ન થઇ જશે' તેવી લાલચ આપી સરસ્વતિ સ્કૂલમાં જ આવેલા બીનઉપયોગી બાથરૂમમાં લઇ જઇ બે વખત બળાત્કાર ગુજારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. એટલુ જ નહિ આ સગીરાને ઢગાએ ઘરેથી પૈસા લઇ સુરત આવી જવાનું કહેતાં તેણી ઓગણીસ દિવસ પહેલા ઘરેથી નીકળી સુરત જતી રહી હતી. પરંતુ ત્યાં પહોંચ્યા પછી એ ઢગાએ હવે આપણા લગ્ન શકય નથી, તું તારો રસ્તો કરી લે તેવું કહી દેતાં બાળાના વાલીએ ફરિયાદ દાખલ કરાવી છે.

બનાવ અંગે પોલીસે ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી સુરતના શેખર સુરતભાઇ આહુજા સામે આઇપીસી ૩૭૬ તથા પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

હાલ રાજકોટ રહેતાં મુળ પડોશી દેશના મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ચાર બાળકો છે. જેમાં એક દિકરી ૧૫ વર્ષની છે અને તે ધોરણ-૮માં અભ્યાસ કરે છે. તા. ૧૨/૬/૨૧ના સવારે હું જાગી ત્યારે આ દિકરી જોવા ન મળતાં અમે શોધખોળ શરૂ કરી હતી. દિકરીને બહેનપણીએ કહેલું કે તમારી દિકરી સુરત રહેતાં મારા કાકાના સુરતભાઇના દિકરા શેખર સાથે મારા ફોનમાંથી વારંવાર વાત કરતી હતી. આ કારણે બંને વચ્ચે મિત્રતા થઇ હોઇ તેણી કદાચ સુરત ગઇ હશે.

આથી બીજા દિવસે મારા પતિ અને દિયર સુરત ગયા હતાં. ત્યાં મારી દિકરી અમારા કુટુંબી સગાના ઘરે આવી ગઇ હોઇ ત્યાંથી રાજકોટ લાવ્યા હતાં. તે સુરત શું કરવા ગઇ હતી? તે અંગે પુછતાં તેણે કહેલું કે હું અવાર-નવાર રણછોડનગરમાં આવેલી સરસ્વતિ સ્કૂલના ચોકીદારની દિકરી જે મારી બહેનપણી હોઇ તેણીના ઘરે આવતી જતી હોઇ તેણીના કાકાના દિકરા શેખર આહુજાનો ફોન આવતો હોઇ હું પણ બહેનપણીની સાથે શેખર સાથે વાતો કરતી હતી. જેથી મારે શેખર સાથે મિત્રતા થઇ હતી.

એ પછી માર્ચ-૨૦૨૧ના રોજ શેખર રાજકોટ મારી બહેનપણીના ઘરે આવ્યો હોઇ હું ત્યારે પણ તેને વારંવાર મળતી હતી. શેખરે કહેલું કે આપણી જ્ઞાતિ અલગ હોઇ જેથી આપણા માતા-પિતા લગ્ન માટે માનશે નહિ, આપણે પહેલા શરીર સુખ માણી લઇએ તેમ કહેતાં સરસ્વતિ સ્કૂલની અંદર બહેનપણીના ઘરની બાજુમાં આવેલા બીનઉપયોગી બાથરૂમમાં મને તે લઇ ગયો હતો અને મારી સાથે બે વાર શરીરસુખ માણ્યું હતું.

એ પછી શેખરે મને કહેલું કે તું તારા ઘરે કોઇને કહેતી નહિ નહિતર તને બદનામ કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. એ પછી તે સુરત જતો રહ્યો હતો. ત્યારબાદ પણ હું પપ્પાના અને બહેનપણીના ફોનમાંથી શેખર સાથે વાતચીત કરતી હતી. તે મને સતત એવું કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરી લઇશ, તું ચિંતા ન કરતી. એ પછી આજથી અઢારેક દિવસ પહેલા ૧૧/૬/૨૧ના રોજ મેં ફરીવાર શેખર સાથે ફોનથી વાત કરી હતી. ત્યારે મને શેખરે કહેલું કે તું તારા ઘરમાંથી પૈસા લઇને સુરત આવી જા પછી આપણે લગ્ન કરી લઇશું. આથી હું ૧૨મીએ વહેલી સવારે છએક વાગ્યે ઘરમાંથી કોઇને કહ્યા વગર રાજકોટ બસ સ્ટેશને પહોંચી સુરત જતી રહી હતી. ત્યાં અડાજણ પાસે શેખરને મળી હતી. ત્યારે શેખરે કહેલું કે હવે આપણા લગ્ન શકય નથી, તું તારો રસ્તો કરી લે.

તેણે લગ્નની લાલચ આપી મારી સાથે બે વખત શરીર સુખ માણી લીધા બાદ લગ્ન કરવાની ના પાડી મને છેતરી લીધી હોઇ જેથી હું સુરત આપણા સગાના ઘરે જતી રહી હતી.

દિકરીની આ કથની સાંભળ્યા બાદ માતા-પિતા ગઇકાલે બી-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચતા પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા તથા રાઇટર મનોજભાઇ ગઢવીએ ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી  ગુનો દાખલ કરી મહિલા પોલીસને ફરિયાદ મોકલતાં પીઆઇ એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એ. જે. લાઠીયા વધુ તપાસ કરે છે.

(12:41 pm IST)