Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

લાપાસરીના આશ્રમમાં કફ દૂર કરવા જડીબુટી પીધા પછી તબિયત બગડતાં મહંતનું મોત

સિવિલ હોસ્પિટલમાં સતર દિવસની સારવારને અંતે દમ તોડ્યો

રાજકોટ તા. ૧: લાપાસરીમાં આવેલા બાબા બાળકનાથ આશ્રમ અને ગોૈશાળામાં રહેતાં મહંત યોગી સિમરનનાથ ગુરૂછીપરાનાથ સાધુ (ઉ.વ.૪૫)એ ગત તા. ૧૩/૬ના રોજ કોઇ જડીબુટી પી લીધા બાદ હાલત બગડી જતાં અને બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સતર દિવસની સારવારને અંતે દમ તોડી દેતાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ લાપાસરી આશ્રમમાં સેવક તરીકે રહેતાં મહંત યોગી શિમરનનાથે તા. ૧૩/૬ના રોજ કફ થઇ ગયો હોઇ તે દૂર કરવા કોઇ જડીબુટી કે વનસ્પતિ ખાઇ લેતાં તેની હાલત બગડી ગઇ હતી અને બેભાન થઇ જતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તબિબે એમએલસી કેસ જાહેર કરાયો હતો. સારવાર દરમિયાન ગત સાંજે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મહંત યોગી સિમરનનાથ મુળ રાજકોટના વતની હતાં. પાંચેક વર્ષ તેઓ મોરબી રહી સેવાપુજા કરતાં હતાં. એ પછી છેલ્લાં આઠેક મહિનાથી ગુરૂ તરીકે મહંત છીપરાનાથને ધારણ કરી લાપાસરી આશ્રમમાં રહેવા આવ્યા હતાં.

બેભાન હાલતમાં કોઠારીયા સોલવન્ટની સુનતીદેવીનું મોત

કોઠારીયા સોલવન્ટ પાસે શિતળાધારમાં રહેતી સુનતીદેવી મુકેશ ચોૈધરી (ઉ.૨૮) બિમારીને લીધે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. 

(11:52 am IST)