Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની રાજકીય અખાડોઃ વધુ એક સંનિષ્ઠ અધિકારી રમેશ પરમારને રજીસ્ટ્રાર પદેથી હટાવાયા

કોઈ પક્ષ કે વ્યકિતને બદલે માત્ર નિયમ મુજબ યુનિવર્સિટીના હીતમાં કામ કરતા રમેશ પરમાર સ્થાપિત હીતોને ખટકતા હતાઃ આલોક ચક્રવાલ, અમિત પારેખ, કિશોર આટકોટીયા બાદ પરમારને દુર કરાયાઃ અનેક વિભાગોમાં ચાલતુ ગંદુ રાજકારણઃ કાર્યકરી કુલસચિવનો ચાર્જ જતીન સોનીને સોંપાયો

રાજકોટ, તા. ૧ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગઈ હોય તેમ કોંગ્રેસ અને ભાજપના સ્થાપિત હીતો તેની રીતે નિર્ણય કરતા હોય છે ત્યારે સંનિષ્ઠ અધિકારી સેન્ડવીચ જેવી સ્થિતિમાં આવી જાય છે. અગાઉ ૩ અધિકારીઓના રાજીનામા બાદ ગઈકાલે માત્ર યુનિવર્સિટીને વફાદાર રહેનાર સંનિષ્ઠ અધિકારી રમેશભાઈ પરમારને રજીસ્ટ્રાર પદેથી હટાવી દેતા સ્થાપિત હીતો મોજમાં આવી ગયાનું ચિત્ર ઉપસ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીનવિવાદાસ્પદ અને કાયદાના પરીપેક્ષમાં રહીને કામ કરનાર બાહોશ અધિકારી તરીકે રમેશભાઈ પરમારની ગણના થાય છે. અગાઉ એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પ્રાપ્ત થયો ત્યારે તત્કાલીન કુલપતિ મહેન્દ્રભાઈ પાડલીયા સાથે ખૂબ મહેનત કરનાર રમેશભાઈ પરમાર હાલના કુલપતિ નીતિન પેથાણી અને વિવાદાસ્પદ કુલનાયક વિજય દેશાણી વચ્ચે બરોબરના ભીંસાય રહ્યા છે.

તાજેતરમાં કોન્વોકેશન હોલ તેમજ ટીચર યુનિવર્સિટીના પ્રકરણમાં કાયદામાં રહીને નિયમ મુજબ કામ કરનાર રમેશભાઈ પરમાર કોંગ્રેસ અને ભાજપના લોકોનું મુખ્ય નિશાન બન્યા હતા. બન્નેને આ પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીની કામગીરી ખૂંચવા લાગી હતી. નિડર અને કાયદાના ઊંડા અભ્યાસુ રમેશભાઈ પરમાર માત્ર કાયદાના પરીપેક્ષમાં રહીને નિયમ મુજબ કામ કરતા હતા.

કુલનાયક દેશાણી અને કુલપતિ પેથાણી વચ્ચે ચાલતા વિવાદમાં પણ રમેશભાઈ પરમારની સ્થિતિ અનેકવાર દયનીય બની હતી. આ સંજોગોમાં રમેશભાઈ પરમારે સામે ચાલીને પોતાની મુળ જગ્યાએ જવા અરજી કરી હતી. પરંતુ ગઈકાલે અચાનક રમેશભાઈ પરમારને રજીસ્ટ્રાર પદેથી દૂર કરીને શારીરિક શિક્ષણ નિયામક જતીન સોનીને રજીસ્ટ્રાર પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-ગ્રેડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આલોક ચક્રવાલ તેમજ પરીક્ષા નિયામક અમિત પારેખ અને કિશોર આટકોટીયાએ પણ અગમ્ય કારણોસર રાજીનામુ ફગાવ્યુ હતું.

(3:57 pm IST)