Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પ્રવિણભાઇ કોટકને ફરીથી પ્રમુખપદ સામે રોષ

આ પ્રવૃતિ બંધારણ વિરોધી છે, સમાજમાં રોષ ફેલાયો છેઃ લોહાણા મહાપરિષદ હિતરક્ષક સમિતિ

રાજકોટ,તા.૧: પ્રવિણભાઇ કોટકને ફરીથી પ્રમુખ બનાવવાની હિલ-ચાલ સામે રઘુવંશી સમાજમાં રોષ ફેલાયો છે.

લોહાણા મહાપરિષદ હિત રક્ષક સમિતએ આ અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા છે. અખબારી યાદીમાં જણાવ્યું છે.

સપ્ટેમ્બર ૨૦૧૮ માં શ્રી લોહાણા મહાપરિષદ ની મધ્યસ્થ મહાસમિતિની અમદાવાદ મુકામે  કર્ણાવતી કલબ ખાતે મળેલી બેઠકમાં આગામી પાંચ વર્ષે (૨૦૨૦ - ૨૦૨૫) માટે માતૃસંસ્થાના નવા પ્રમુખની  શોધ માટે તથા ભારતભરમાંથી સંભવિત નામોની ચર્ચા કરી યોગ્ય નામનું સૂચન કરવા તેમજ આવા કોઈ  અન્ય નામ કે નામો આવે તો તેની તંદુરસ્ત ચર્ચા કરી યોગ્ય નામની પસંદગી સામૂહિક રીતે કરી વરણીની  ભલામણ મધ્યસ્થ સમિતિને કરવા માટે વરણી સમિતિના સભ્ય તરીકે આપની નિમણુંક સર્વાનુમતે કરવામાં  આવી હતી.   

વરણી સમિતિના સભ્ય તરીકેની ફરજો બંધારણને વફાદાર રહી બજાવશો તેઓ  મધ્યસ્થ મહાસમિતિના તમામ સભ્યોનો દૃઢ વિશ્વાસ આપની નિમણૂકમાં સંમતિ આપવા માટે પાયામાં હતો  પરંતુ તારીખ ૪-૧-૨૦૨૦ ની વરણી સમિતિની પ્રથમ જ બેઠક જેમાં આગામી પાંચ વર્ષ માટે નવા પ્રમુખ  તરીકે કોઈ સુયોગ્ય વ્યકિતના નામનું સૌએ સૂચન કરી ચર્ચા-વિચારણા કરી ભલામણ મધ્યસ્થ મહાસમિતિને  કરવાની હતી.જે બંધારણીય ફરજ અને જવાબદારી ભૂલી આપે વરણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત સભ્ય  તરીકેની જે ભૂમિકા ભજવી છે તે અતિ વરવું દૃશ્ય ઊભું કરે છે અને વરણી સમિતિના સભ્ય  તરીકેની નિષ્પક્ષ ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ ગયા છો તેના કારણો/તારણો નીચે મુજબ છે. 

વરણી સમિતિની બેઠકનો સમય તારીખ ૪-૧-૨૦૨૦ ના રોજ બપોરે ત્રણ વાગ્યાનો રાખવામાં આવેલો.  વરણી સમિતિની બેઠક મળે તે પહેલાં જ તમે કોઈ તૈયાર ટાઈપ થયેલ લખાણમાં, જેમાં નામ તથા સહીઓ માટેના ખાના પાડેલા હતા તેમાં સહીઓ કરીને બેઠક અગાઉ જ વર્તમાન પ્રમુખ પ્રવીણભાઈ કોટકને  ફરીથી નીમવાનો (અન્ય પાંચ વર્ષે માટે રીપીટ કરવાનો) નિર્ધાર કરી લીધેલો અને તે રીતે કોઈ  સુયોગ્ય નામ જ ચર્ચામાં કે વિચારણામાં ન આવે તેવી પૂર્વ આયોજીત યોજનામાં ભાગીદાર / હિસ્સેદાર  બનેલા અને બંધારણીય લોકશાહી પ્રણાલી તથા પ્રથાથી આપ સદંતર વિરુદ્ઘ ચાલેલા.   

વરણી સમિતિ દ્વારા આ રીતે પૂર્વ નિર્ધારિત રીતે લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર લોહાણા સમાજ નારાજ  થયો છે. પ્રમુખની વરણીની ભલામણની પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સ્પષ્ટ સમજ બંધારણની કલમ ૧૫ (૪)  મા આપેલી છે જે નીચે મુજબ છે.   

૧૫(૪): 'વરણી સમિતિ, પ્રમુખ પદ માટે સમાજમાં આગવી પ્રતિભા અને સમાજ સેવાનો અભિગમ ધરાવતી  નિષ્ઠાવાન અને ચરિત્રવાન સુયોગ્ય વ્યકિતની ભલામણ મહાપરિષદની પ્રણાલિકાઓ અને સમાજની  તાત્કાલિક જરૂરિયાતો લક્ષમાં રાખીને મધ્યસ્થ મહાસમિતિને વિવેક બુદ્ઘિપૂર્વક કરશે.'

ઉપરાંત કલમ ૧૬ (૫) મુજબ પ્રમુખની મુદત પૂરી થયે આગામી તમામ બેઠકોમાં તેઓનું વિશિષ્ટ સ્થાન પૂર્વ  પ્રમુખ તરીકે રહેશે તેની સ્પષ્ટ સમજ બંધારણમાં આપેલી છે.

ઉપરોકત તમામ પ્રશ્નોનો ખુલાસો  જાહેરમાં કરો તેવી સમગ્ર લોહાણા સમાજની અપેક્ષા છે.  આશા છે કે આપનો ખુલાસો આપના અંતરાત્માનો જ અવાજ હશે.   

લોહાણા મહા પરિષદ ના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ લાખાણી દ્વારા આ પ્રકારની ગેરબંધારણીય  પ્રવુતિઓ ને જોતા હોદ્દાઓ ઉપરથી રાજીનામુ આપવા ની ઈચ્છા વ્યકત કરતી જાહેરાત કરી છે ત્યારે સમગ્ર  લોહાણા સમાજ તેમને રાજીનામુ ના આપવા જાહેર વિનંતી કરે છે અને લોહાણા મહા પરિષદ ની ૬૦૦ કરતા  વધુ વ્યકિતઓને બનેલ મધ્યસ્થ મહા સમિતિ કે જેમને આ રાજીનામુ મંજુર કરવાની સત્ત્।ા છે તે પણ આ  રાજીનામુ ના સ્વીકારે તેવું સમગ્ર લોહાણા સમાજ ઈચ્છે છે, તેમ   હરીશભાઈ લાખાણી - રાજકોટ, રાજુભાઈ પોબારૂ - રાજકોટ, પદુભાઈ રાયચુરા - પોરબંદર, ડો.ભરતભાઈ  કાનાબાર - અમરેલી, મોટાભાઈ રાયચુરા - ભાટીયા વગેરેની યાદીમાં જણાવાયું છે.

(3:53 pm IST)