Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હીંગળાજનગર PPP આવાસ યોજનાનું કામ ઠપ્પ : અસરગ્રસ્તોએ મકાન પાછા માંગ્યા

ચોમાસામાં ભાડાના મકાનમાં ફેરબદલીની સમસ્યા હોય હીંગળાજનગરના આવાસો પરત સોંપવા માંગણી

રાજકોટ તા. ૧ : શહેરની મધ્યે કાલાવડ રોડને લાગુ જમીનમાં વર્ષોથી વસેલું હીંગળાજનગર મફતિયાની જમીનમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા પી.પી.પી. ધોરણે આવાસ યોજનાનું નિર્માણ શરૂ કર્યું છે. આ માટે હીંગળાજનગરના ૧૩૫ જેટલા રહેવાસીઓના કાચા - પાકા મકાનો તોડીને ત્યાં પાકા ફલેટ બનાવી આપવાનું આયોજન છે. આથી હીંગળાજનગરના આ અસરગ્રસ્તોને અન્યત્ર ભાડેથી રહેવાની ફરજ પડી છે પરંતુ હાલમાં યોજનાનું કામ ઠપ્પ થઇ ગયું હોય ચોમાસા દરમિયાન આ તમામ અસરગ્રસ્તોએ હીંગળાજનગરમાં તેઓના મકાન પાછા આપવા માંગ ઉઠાવી છે.

આ અંગે અસરગ્રસ્તોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, અમો રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮માં આવતા હિંગળાજનગર, અમીન માર્ગ પર છેલ્લા આશરે ૪૫ થી ૫૦ વર્ષોથી અમો અમારા પરિવાર સાથે કાચા-પાકા મકાનો બાંધી રહેતા હતા. તેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમારા વિસ્તારની રાજ્ય સરકારની પીપીપી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવેલ તેમાં તા. ૫-૪-૨૦૧૬ના રોજ રાજકોટ મહાનગરપાલિકા તેમજ જે.પી.કન્સ્ટ્રકશન દ્વારા અમોને કારણદર્શક નોટીસ બજાવેલ.

જે.પી.કન્સ્ટ્રકશને અમારી સાથે પાકા આવાસ તથા દુકાનો બાંધી દેવાની શરતે અમો આશરે ૧૩૦ થી ૧૩૫ પરિવારોએ અરસ-પરસ સમજૂતી કરી જે તે સમયે જગ્યા ખાલી કરી આપેલ હતી. હાલ આ આવાસ યોજનાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઇ ગયેલ હોય એવું અમારી જાણમાં આવેલ છે. તો હાલ ચોમાસુ ચાલુ હોય તો અમારે ભાડાના મકાન આમતેમ ફેરવવા ન પડે અને અમો અમારા આવાસ યોજનામાં પરત રહેવા આવી શકીએ તે હેતુથી આપ સાહેબને અમારી માનસર અરજ છે કે અમો લાભાર્થીઓને વહેલી તકે આવાસો અમને સોંપવામાં આવે તેવી નમ્ર અરજ છે.

આ રજૂઆતમાં હિંગળાજનગર આવાસ યોજના પાર્ટ-૧ ફલેટ એસોસીએશનના પ્રમુખ કે.એમ.ચૌહાણ, મંત્રી રઘુભાઇ જે. બોળીયા વગેરે જોડાયા હતા.

(2:45 pm IST)