Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અનલોક-૧: માસ્ક ન પહેરનારા, અને જાહેરમાં થુંકનારા ૨૫,૪૬૧ લોકો પાસેથી પોલીસે અડધો કરોડ દંડ વસુલ્યો

જાહેરનામા ભંગના ૩૪૨ કેસઃ ૩૦૨૩ વાહનો ડિટેઇન : અનલોક-૨માં પણ નિયમો પાળવા પડશે : પોલીસ કમિશનરનું સુધારાઓ સાથેનું જાહેરનામુઃ અનલોક-૨માં પણ બીનજરૂરી બહાર ન નીકળવા ઘરમાં સુરક્ષીત રહેવા અનુરોધ

રાજકોટ તા. ૧: કોરોના મહામારી અંતર્ગત અનલોક-૦૨ની શરૂઆત થતાં સરકાર તરફથી મળેલી છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અગાઉના જાહેરનામામાં સુધારો કરી બીજુ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે તા.૧/૭ થી ૩૧/૭/૨૦ સુધી અમલમાં રહેશે. અનલોક-૧ દરમિયાન પોલીસ કમિશનરની રાહબરીમાં યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ જાળવી કાયદાનું પાલન કરાવાયું હતું. જાહેરનામા ભંગના ૩૪૨ કેસ નોંધાયા હતાં તો ૩૦૨૩ વાહનો ડિટેઇન થયા હતાં. આ ઉપરાંત જાહેરમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થુંકનારા ૨૫,૪૬૧ લોકોને પકડી લઇ રૂ. ૫૦,૯૨,૨૦૦નો દંડ વસુલાયો હતો. અનલોક-૨માં પણ નિયમોનું પાલન કરવું પડશે.

સુધારા સાથે રજૂ થયેલા જાહેરનામામાં જે પ્રતિબંધીત કૃત્યો અગાઉ ફરમાવવામાં આવ્યા હતાં તે યથાવત રહેશે. જાહેર સ્થળોએ અને કામના સ્થળોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. નિયમોનું પાલન નહિ કરનારને રૂ. ૨૦૦ દંડ ભરવો પડશે. કન્ટેઇનમેન્ટ સહિતના ઝનોમાં સવારના ૭ થી સાંજના ૭ સુધી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. કામદારો, કર્મચારીઓ, દૂકાનના માલિકો કે જેના ઘર કન્ટેઇનમેન્ટ, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવે છે તેણે બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

આવશ્યક સેવાઓ સિવાય રાત્રીના ૧૦ થી સવારના ૫:૦૦ સુધી બહાર અવર-જવર પર પ્રતિબંધ રહેશે. શહેરમાં કયાંય પણ પરવાનગી વગર ચાર કે તેથી વધુ લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ યથાવત છે.  મંજુરી-પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલનો, મેળા, લોકમેળા યોજવા નહિ, તમામ ઉદ્યોગો ૧૦૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રહેશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન આવશ્કય રહેશે.

છુટક વેપારની દૂકાનો, ચા કોફીના સ્ટોલ સાંજના ૮:૦૦ સુધી અને હોટેલો તથા રહેવાની સગવડ વાળી જગ્યાઓ, શોપીંગ મોલ્સ એસ.ઓ.પી. પ્રમાણે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટ-ભોજનાલયો રાતે ૯ સુધી ચાલુ રાખી શકાશે. બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે જાળવવી પડશે.

પાન-માવા દૂકાનેથી લઇને તુરત નીકળી જવાનું રહેશે. ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશનો, તમામ પ્રકારની રિપેરીંગની દૂકાનો ખુલી રાખશી શકાશે. મોલ, મોલમાં આવતી દૂકાનો સોીશયલ ડિસ્ટન્સીંગ સાથે ખુલી રખાશે.

શૈક્ષણિક સંસ્થાતો, તાલિમ, સંશોધન, કોચીંગ કલાસ બંધ રહેશે. વહિવટી કચેરી ચાલુ રખાશે,. ઓનલાઇન શિક્ષણને પ્રાધાન્ય આપવું. લાયબ્રેરીઓ ૬૦ ટકા સ્ટાફ સાથે ખુલી રાખશી શકાશે. નાટ્યગૃહો, બાગ બગીચા, સાંસ્કૃતિક થિયેટર કાર્યક્રમો, જીમ, સ્વીમિંગ પૂલ, બાગ-બગીચા, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વ સ્થળો, પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સિંગલ સ્ક્રીન-મલ્ટીપલ સ્ક્રીન સિનેમાઘરો બંધ રહેશે. ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પાળવા પડશે. લગ્ન સહિતના પ્રસંગમાં ૫૦થી વધુ વ્યકિતઓ ન હોવા જોઇએ. મંજુરી લેવી જરૂરી છે. દફનવિધી, અંતિમવિધીમાં ૨૦ લોકો જ ભેગા થઇ શકશે. સીટી અને એસટી બસો નિયમ મુબજ દોડશે. રિક્ષા, કેબ્ઝ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ અને પ્રાઇવેટ કાર એક ડ્રાઇવર તથા ૨ મુસાફર સાથે ચલાવી શકાશે. કેબ્ઝ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં ૬ કે તેથી વધારે સીટીંગ કેપેસીટી હોય તો એક ડ્રાઇવર અને ૩ મુસાફર પરિવહન કરી શકશે. ટુવ્હીલરમાં બે વ્યકિત બેસી શકશે. બાકી નિયમો અગાઉની જેમ જ રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(2:27 pm IST)