Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કનૈયા ચોક દિપક સોસાયટી રોડ પર પાનની દૂકાનમાંથી નશાકારક દ્રવ્ય મિશ્રીત ગોળીઓની ૧૩ પડીકી મળી

ગાંધીગ્રામ પોલીસે દૂકાનદાર આનંદ ચાવડા સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી : કબજીયાતમાં ઉપયોગી ગોળી હોવાનું કહીને કોઇ પરપ્રાંતિય શખ્સ આપી ગયાનું રટણ

રાજકોટ તા. ૧: આયુર્વેદિક ઓૈષધીની આડમાં વેંચાતી નશાકારક ગોળીઓની પડીકીઓ અગાઉ એસઓજીએ પકડી લીધા બાદ ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ કનૈયા ચોકથી દિપક સોસાયટી તરફ જતાં રસ્તા પર આવેલી પાનની દૂકાનમાં દરોડો પાડી આહિર શખ્સને આવી ૧૩ પડકીઓ સાથે પકડી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગાંધીગ્રામ પોલીસ મથક ડી. સ્ટાફના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ ફરિયાદી બની ગાંધીગ્રામ ધર્મરાજ સોસાયટી મેઇન રોડ પર જય રવરાઇ નામના મકાનમાં રહેતાં આનંદ પ્રભાતભાઇ ચાવડા (ઉ.૨૪) નામના શખ્સ વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦ (એ) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે.

ખોડુભા તથા સ્ટાફના કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર, કનુભાઇ બસીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વનરાજભાઇને માહિતી મળી હતી કે રૈયા રોડ કનૈયા ચોક પાસે દિપક સોસાયટી મદ્રેસા રોડ પર રવરાય પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દૂકાનમાં તરંગ વિજ્યાવટી આયુર્વેદિક ઓૈષધી નામની પડીકીઓનું વેંચાણ થાય છે જેમાં નશાકારક દ્રવ્યની ભેળસેળ હોય છે.  આ માહિતીને આધારે ત્યાં જઇ તપાસ કરતાં દૂકાનમાં એક શખ્સ બેઠો હોઇ પુછતાછ કરતાં પોતાનું નામ આનંદ પ્રભાતભાઇ ચાવડા (આહિર) (ઉ.૨૪) જણાવ્યું હતું. દૂકાનમાં કાઉન્ટર નીચેથી પ્લાસ્ટીકની ૧૩ પડીકીઓ મળી હતી.

આ પડીકી પર તરંગ વિજ્યાવટી આયુર્વેદિક ઓૈષધી નિર્માતા તરંગ ફાર્મા ઇન્દોરના માર્કા હતાં. આ પડીકીની રૂ. ૧૩ કિંમત ગણી કબ્જે કરી હતી અને દૂકાનદારની ધરપકડની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે અગાઉ એસઓજીએ આવી પડીકીઓ પકડી ગાંધીનગર એફએસએલમાં પરિક્ષણમાં મોકલી હતી. જેનો રિપોર્ટ આવતાં તેમાં ગાંજાની હાજરી મળી આવી હતી. ત્યારબાદ વધુ દરોડા પાડી આવી ૯૦૦ જેટલી પડીકીઓ સાથે ત્રણ શખ્સોને પકડી લેવાયા હતાં. છેલ્લે માલવીયાનગર પોલીસે આવી પડીકી સપ્લાય કરનાર શાપર વેરાવળ રહેતાં શખ્સને પણ પકડ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસે પુછતાછ કરતાં આનંદે કહ્યું હતું કે એક ભૈયો આ પડીકી કબજીયાતની તકલિફમાં વપરાય છે તેવું કહીને આપી ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:49 pm IST)