Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આજથી મોળાકત વ્રતનો પ્રારંભઃ શુક્રવારથી જયાપાર્વતી આજે દેવપોઢી અગિયારસઃ હવે ૧૩૪ દિવસ માંગલિક કાર્યો બંધ

ચાતુર્માસનો પ્રારંભઃ રવીવારે બાળાઓનું તો મંગળવારે જયા પાર્વતી વ્રતનું જાગરણ

રાજકોટ તા. ૧: આજથી બાળાઓના મોળાકત વ્રત શરૂ થયા છે. બાલિકાઓ પાંચ દિવસ મોળું ખાઇને વ્રત કરે છે, આજે બુધવારે દેવપોઢી એકાદશી છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ એકાદશીએ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રા (શયન) માટે જાય છે અને ચાર મહિના સૂઇ જાય છે. તેથી તેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહેવાય છે. જયારે આ સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. શુક્રવારથી જયા પાર્વતી વ્રત શરૂ થશે.

ચાતુર્માસ આજથી શરૂ થયો છે જયારે આગામી ૧૩૪ દિવસ પછી ૧૪ નવેમ્બર પછી શુભ અને માંગલિક કાર્યો થઇ શકશે.

હિન્દુ ધર્મમાં, અષાઢ મહિનાની શુકલ પક્ષની એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને અષાઢી અગિયારસ કે હરિશયની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રી નારાયણે એકાદશીનું મહત્વ બતાવતા કહ્યું છે કે ભગવાનમાં શ્રી કૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ અને વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે. તેવી જ  રીતે, ઉપવાસોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે.

દેવશયની એકાદશીનું મુહુર્ત-આ વર્ષે અષાઢ શુકલની એકાદશી ૧ જુલાઇ ર૦ર૦ ના રોજ છે. તેથી દેવશયની એકાદશીનું વ્રત  ૧ જુલાઇના રોજ રાખવામાં આવશે.

દેવશયની એકાદશી વ્રત વિધિ આ પ્રમાણે કરો

. દેવશયની એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠો. નિત્યકાર્યથી પરવારીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો.

. ભગવાન વિષ્ણુનું પ્રતિમાને ગંગા જળથી સ્નાન કરાવો.

. હવે દિવો પ્રગટાવીને તેમનું સ્મરણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજામાં તેમની સ્તૃતિ કરો.

. સાંજે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રગટાવીને તેમની આરાધના કરો.

. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. દ્વાદશીના સમયે શુદ્ધ થઇને વ્રતના પારણા મુહૂર્તમાં વ્રત ખોલો.

. લોકો વચ્ચે પ્રસાદ વહેંચો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને આશીર્વાદ મેળવો.

દેવપોઢી એકાદશીનું ધાર્મિક મહત્વ

. પૌરણિક માન્યતા મુજબ દેવશયની વ્રત વિધિપૂર્વક કરાવાથી બધા પ્રકારના કષ્ટથી મુકિત મળે છે.

. મહાભારતના સમયે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું હતું.

. જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. પૈસાની કમી રહેતી નથી.

. વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

. આજથી ચતુર્માસ શરૂ થઇ ગયો હોય હવે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી પાતાળ લોકમાં વાસ કરશે.

. આ દરમિયાન કોઇપણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. માન્યતા મુજબ ભગવાન વિષ્ણુજીના શયન કરવાથી ભકતોની મનોકામના પુરી થતી નથી.

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધિનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજ એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે.

(10:58 am IST)