Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

૧૦૦ વર્ષના વડલાને બચાવવા પ્લાનમાં ફેરફાર કરાયો, હવે ૧૧ માળની ચાઇલ્ડ એન્ડ મધર કેર હોસ્પિટલ બનશે

રાજકોટમાં નિર્માણાધિન જનાના હોસ્પિટલની કાર્યપ્રગતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

  રાજકોટઃ તા.૧, શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે. ૨૦૦ કરોડના ખર્ચથી નિર્માણાધિન જનાના હોસ્પિટલની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂબરૂ મુલાકાત લઇ કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી અને નિર્માણ કાર્ય નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ૧૫૦ વર્ષ જૂની જનાના હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા ૧૦૦ કરતા પણ વધુ વર્ષ જૂના દ્યેદ્યુર વડલાને બચાવવા માટે નવા પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ચાઇલ્ડ એન્ડ મધર કેર હોસ્પિટલના પહેલાના પ્લાન મુજબ વડલાને કાપવો પડતો હતો. પણ, હવે ફેરફાર મુજબના નવા પ્લાનમાં આઠ માળને બદલે ૧૧ માળ કરી વડલાના વૃક્ષને બચાવી લેવામાં આવ્યું છે.

 જનાના હોસ્પિટલના સ્થાને બનનારી ચાઇલ્ડ એન્ડ મધર કેર હોસ્પિટલમાં કૂલ ૫૦૦ પથારીની સુવિધા હશે. જે પૈકી ૨૦૦ પથારી પ્રસુતા માટે અને ૩૦૦ પથારી બાળકો માટે રાખવાની છે. આરોગ્યક્ષેત્રના આ પ્રકલ્પથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ મળશે. જેના પ્રથમ તબક્કામાં ૭૦.૭૮ કરોડના ખર્ચથી બાંધકામની કામગીરી કરવામાં આવનાર છે.

  મુખ્યમંત્રીશ્રી રૂપાણી સીધા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જયાં તેમણે બાંધકામ વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરીની રજેરજની વિગતો મેળવી હતી. ત્યાં તેમણે પ્લાનનું નિરીક્ષણ પણ કર્યું હતું. બાદમાં સાઇટની પણ મુલાકાત લીધી હતી.

 રાજકોટની જનાના હોસ્પિટલનો ઇતિહાસ ૧૫૦ વર્ષ જૂનો છે. જેનું નિર્માણ જૂનાગઢના બાબી શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. બાળવિવાહ જેવી કુપ્રથા સામે જનજાગૃતિના મશાલચી અને અંગ્રેજોકાળમાં ભારતના પ્રથમ પ્રેકિટસિંગ લેડી ફિઝીશ્યન રૂખમાબાઇ પણ અહીં ફરજ બજાવી ચૂકયા છે.

 રાજય સરકાર દ્વારા પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી પણ મહિલાઓ માટેની હોસ્પિટલ અહીં જ રહી. એના કારણે સમસ્યા એ થતી હતી કે કોઇ પ્રસુતા બાળકને જન્મ આપે તો તેને સારવાર માટે હોસ્પિટલ ચોકની ભીડ ભાડ વાળા વિસ્તારને ક્રોસ કરી અંદાજે ૧.૫ કિલોમિટર દૂર કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જવું પડે છે. આ સમસ્યા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ધ્યાને આવતા તેમણે બાળકો અને માતાની હોસ્પિટલ એક જ સ્થળે બનાવવાનો નિર્ણય કરી રાજકોટને એક નવી હોસ્પિટલ આપી છે. જે બનતા આરોગ્યની સેવા વધુ બહેતર બનવાની છે.

(3:47 pm IST)