Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વેકસીનની ચિંતા હળવી : ૧ લાખ ડોઝ ઉપલબ્ધઃ ઉદિત અગ્રવાલ

પ લાખ નાગરીકોનું રસીકરણ થઇ ગ્યું: કો-વેકસીનનાં રપ હજાર ડોઝ મંગાવાયાઃ એચ.સી.જી. ખાનગી હોસ્પીટલમાં વેકસીનેશન શરૃઃ કોવીશીલ્ડનાં રૂ. ૧૦૦૦ અને કો-વેકસીનનો ૧ર૦૦ ચાર્જ નિશ્ચિત થયો

રાજકોટ, તા., ૧: કોરોના વેકસીનેશનની કામગીરીમાં હવે ઝડપ શકય બની છે કેમ કે મ.ન.પા. પાસે હજુ વેકસીનનાં ૧ લાખ ડોઝ ઉપલબ્ધ છે. આથી વેકસીનેશનની ચિંતા હળવી થયાનું મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યુ હતું.

આ અંગે શ્રી અગ્રવાલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આજ સુધીમાં શહેરમાં તમામ વય જુથનાં પ લાખ જેટલા લોકોનું રસીકરણ થઇ ગયું છે.

હાલમાં ૧૮ થી ૪૪ વર્ષના યુવા વર્ગનું વેકસીનેશન ચાલું છે. જેમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાતી હતી પરંતુ હવે વેકસીનના ડોઝનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનતા દરરોજ ર૦ હજાર આસપાસની સંખ્યામાં નાગરીકોનું રસીકરણ થઇ રહયું છે.

આ ઉપરાંત હવે ખાનગી કોર્પોરેટ હોસ્પીટલમાં પણ વેકસીનેશનનું કામ ચાલુ થયું છે. રાજકોટની એચ.સી.જી. હોસ્પીટલે કંપનીમાંથી જ સીધી વેકસીન મંગાવી અને કોવીશીલ્ડ વેકસીન રૂ. ૧૦૦૦નો ચાર્જ લઇને તેમજ કો-વેકસીન રૂ. ૧ર૦૦નો ચાર્જ લઇને આપવાનું શરૂ કર્યુ છે.

આમ હવે કોરોના સામે રક્ષણ આપતી વેકસીન મુકવાની કામગીરી સરળ બની છે.

આથી યુવાનો, વડીલો, જે કોઇએ પણ વેકસીન મુકાવી નથી તેઓને વેકસીન મુકાવી લેવા શ્રી અગ્રવાલે અપીલ કરી છે.

દરમિયાન અગાઉ જે લોકોને કો-વેકસીન અપાઇ છે. તેઓને બીજો ડોઝ આપવા માટે રપ૦૦૦ જેટલા ડોઝ કો-વેકસીનનાં મંગાવાયા છે. જે ટુંક સમયમાં જ મળી જશે. ત્યાર બાદ કો-વેકસીનનો બીજો ડોઝ આપવાનું શરૂ થશે તેમ અંતમાં શ્રી અગ્રવાલે જણાવેલ.

(3:18 pm IST)