Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા વધારવા ત્રણ ધારાસભ્યોએ લાખ્ખો રૂપિયાની ગ્રાંટ ફાળવી

તબિબી અધિક્ષકને મળી વિવિધ મુદ્દે ચર્ચાઃ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયાએ લીધી મુલાકાત : કેન્સર હોસ્પિટલ ચાલુ કરાવવા પણ ગાંધીનગર રજૂઆત થશેઃ દર પંદર દિવસે ધારાસભ્યો હોસ્પિટલની મુલાકાત લેશે

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ સુવિધા અને સારવાર મળી રહે તે માટે ધારાસભ્યો દ્વારા લાખ્ખોની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આજે ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયાએ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને મળી હોસ્પિટલમાં દર્દીઓ અને કર્મચારીઓની સુખાકારી માટે ઘટતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને હાલ તુર્ત ત્રણેય ધારાસભ્યોએ ૧૦-૧૦ લાખની મળી ૩૦ લાખની ગ્રાંટ ફાળવવા જાહેરાત કરી છે.

ધારાસભ્યોની આ મુલાકાત વેળાએ સિવિલ હોસ્પિટલના કાઉન્સીલ જયંતભાઇ ઠાકર તેમજ અનિલભાઇ મકવાણા સહિતના સાથે રહ્યા હતાં. ત્રણેય ધારાસભ્યોએ તબિબી અધિક્ષકને જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર માટે કોઇપણ સાધન સામગ્રી ઘટવી ન જોઇએ. તેમજ સફાઇ, પાણી સહિતના તમામ પ્રશ્નો પણ ઉદ્દભવવા જોઇએ નહિ. આ માટે જરૂરી એવી તમામ ગ્રાન્ટ પોતે ફાળવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્સરના રોગોની સારવાર માટેનો ખાસ અલગ વિભાગ શરૂ કરવાના મુદ્દાને અગ્રતા આપી આ માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરી નક્કર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ધારાસભ્યોએ જણાવ્યું હતું. દર પંદર દિવસે આ ત્રણેય ધારાસભ્યો હોસ્પિટલની મુલાકાત લઇ તબિબી અધિક્ષકને મળી દર્દીઓ તથા સ્ટાફને પણ કોઇ બાબતે મુશ્કેલી હોય તો તેના નિવારણ માટે પગલા લેવડાવશે તેમ જણાવ્યું હતું.

(4:57 pm IST)