Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મને આશીર્વાદ આપો, માતાને પગે લાગી ૨૧ વર્ષનો પુત્ર વિવેક ગયો તે ગયો...! પટેલ પરિવાર આકુળ વ્યાકુળ

મવડીના ઓમનગરનો લેઉવા પટેલ યુવાન બાઇક લઇને ૨૮મીએ નીકળ્યા પછી ભેદી રીતે લાપતા : સીએનસીની ટ્રેનિંગમાં જતાં પુત્રને માતાએ રૂ. ૩૦૦ આપ્યા'તાઃ જાતે જ જતો રહ્યો કે કોઇ ઉઠાવી ગયું?...પોલીસે તપાસ આરંભી

ઓમનગરમાં આવેલુ વિવેકનું ઘર, ગૂમ થયેલા વિવેકનો ફાઇલ ફોટો અને ચિંતામાં ગરક થયેલા તેના માતા-પિતા-દાદા-દાદી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરના મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર-૩માં રહેતાં લેઉવા પટેલ પરિવારનો એકનો એક ૨૧ વર્ષનો પુત્ર વિવેક જયેશભાઇ વસોયા ચાર દિવસ પહેલા સવારે આઠેક વાગ્યે પોતાના માતા અનસુયાબેનને પગે લાગી સીએનસીની ટ્રેનિંગ લેવા જવાનું કહીને બાઇક લઇને ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થઇ જતાં પરિવારજનો આકુળ-વ્યાકુળ થઇ ગયા છે. આ યુવાન કોઇ અંગત કારણોસર જાતે જ કયાંક જતો રહ્યો કે પછી કોઇએ તેને ઉઠાવી લીધો? તે અંગે રહસ્ય સર્જાયું છે. પુત્ર હેમખેમ પાછો આવી જાય એ માટે  પરિવારજનો સતત પ્રાર્થના કરી રહ્યા છે. પોલીસે પણ ગુમની નોંધ કરી તપાસમાં ઝંપલાવ્યું છે.

ઓમનગર-૩માં 'વિવેક' નામના મકાનમાં રહેતાં જયેશભાઇ ભગવાનજીભાઇ વસોયાએ ગઇકાલે સાંજે તાલુકા પોલીસ મથકે પહોંચી પોતાનો ૨૧ વર્ષનો પુત્ર વિવેક ૨૮/૫ના સવારે આઠેક વાગ્યે ઘરેથી જીજે૩સીએમ-૮૨૬૦ નંબરનું બાઇક લઇને નીકળ્યા બાદ ગૂમ થઇ ગયાની જાણ કરતાં એએસઆઇ ડી.વી. ખાંભલાએ તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં દેખાતો વિવેક કોઇને જોવા મળે તો તાલુકા પોલીસને ફોન ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ અથવા મો. ૯૯૭૯૧ ૦૨૭૨૩ ઉપર જાણ કરવા જણાવ્યું છે.

એકનો એક આશાસ્પદ અને યુવાન દિકરો ભેદી રીતે ગાયબ થઇ જતાં માતા અનસુયાબેન, પિતા જયેશભાઇ, દાદા-દાદી-કાકા સહિતના સ્વજનો આકુળ-વ્યાકુળ થઇ ઠેર-ઠેર શોધખોળ કરી રહ્યા છે. સજળ નયને માતા અનસુયાબેને જણાવ્યું હતું કે વિવેક અમારો એક જ દિકરો છે. તે ગોંડલ રોડ ચોકડીએ વિપુલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા કારખાનામાં સીએનસીની ટ્રેનિંગ લેવા જતો હતો. દરરોજ સવારે આઠેક વાગ્યે તે ઘરેથી ટિફીન લઇ તેનું વાહન લઇને જતો હતો અને સાંજે પાછો આવી જતો હતો. તે દરરોજ ઉઠીને ન્હાયા પછી ઘરના મંદિરમાં દિવાબત્તી કરતો હતો અને પછી મને પગે લાગીને જ ઘરેથી નીકળતો હતો.

૨૮મીએ સવારે પણ તે નિત્યક્રમ મુજબ મને પગે લાગ્યો હતો અને આશીર્વાદ આપો તેમ કહ્યું હતું. જતાં-જતાં તેણે પૈસાની જરૂર છે તેમ કહેતાં મેં તેને રૂ. ૩૦૦ આપ્યા હતાં. એ પછી તે ટિફીન લઇ કારખાને જવા નીકળી ગયો હતો. પણ મોડી સાંજ સુધી પાછો ન આવતાં તેને ફોન જોડતાં ફોન બંધ આવ્યો હતો. કારખાને તપાસ કરતાં ત્યાં તે પહોંચ્યો જ નહિ હોવાનું કહેવાતાં અમારી ચિંતા વધી ગઇ હતી.

પિતા જયેશભાઇએ જણાવ્યું હતું કે અમે ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી. ચોટીલા સુધી તપાસ કરવા ગયા હતાં પણ પત્તો મળ્યો નહોતો. તે અગાઉ કદી આ રીતે કયાંય ગયો નથી. તેને કોઇ ટેન્શન પણ નહોતું. પખવાડીયા અગાઉ બુધવારે બે છોકરા વિવેકને બોલાવવા ઘરે આવ્યા હતાં. તેને અમે એ પહેલા કોઇ દિવસ જોયા નહોતાં. તેમ જયેશભાઇએ જણાવ્યું હતું.

વિવેક જાતે જતો રહ્યો કે પછી કોઇએ અપહરણ કર્યુ? એવા સવાલોએ રહસ્ય ઉભુ કર્યુ છે. હાલ તો લેઉવા પટેલ પરિવારના સભ્યો લાડકવાયો જ્યાં હોય ત્યાં સલામત હોય અને સત્વરે હેમખેમ પાછો આવી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તાલુકા પોલીસે પણ વિવેકને શોધવા દોડધામ શરૂ કરી દીધી છે.

(4:13 pm IST)