Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બેંકમાં નકલી સોનુ ધાબડી ૩૪.૬૯ લાખની લોન ગપચાવી!

શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની ગોંડલ રોડ બ્રાંચ, મવડી રોડ સહિત ત્રણ બ્રાંચ સાથે ઠગાઇ : અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકેલા ગાયત્રીધામના જયદિપ ઉર્ફ યુવરાજસિંહ ઉર્ફ લક્કીરાજસિંહ જાડેજાએ સુરેન્દ્રનગરના અંજલીબા રાજદિપસિંહ ડાભી, તેણીના પતિ રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભી તથા યશ બાબુલાલ ચાવડા સાથે મળી બેંકજે છેતરી : પોલીસ પુત્ર સહિત ત્રણની ધરપકડ

તસ્વીરમાં લક્કીરાજસિંહ ઉર્ફ યુવરાજસિંહ જાડેજા (પ્રથમ) તથા વચ્ચે રાજદિપસિંહ ડાભી અને બાજુમાં તેના પત્નિ અંજલીબા ડાભી જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની ત્રણ જુદી-જુદી બ્રાંચમાં નકલી સોનુ ધાબડી દઇ દરબાર શખ્સ અને ટોળકીએ અલગ-અલગ સમયે લોન લઇ કુલ રૂ. ૩૪,૬૯,૮૭૫ની ઠગાઇ કરતાં ચકચાર જાગી છે. ભકિતનગર પોલીસે આવા કરતુત સબબ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકેલા બહુનામધારી પોલીસમેનના પુત્ર એવા દરબાર શખ્સ, એક દંપતિ તથા અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી સુત્રધાર રાજકોટના દરબાર શખ્સ અને સુરેન્દ્રનગરના દંપતિ સહિત ત્રણને પકડી લીધા છે.

પોલીસે એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટી-૨માં રહેતાં અને ગોંડલ રોડ મક્કમ ચોક પાસે જયનાથ કોમ્પલેક્ષમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં દોઢેક વર્ષથી બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં રજનીબેન જયસુખભાઇ મકાણી (ઉ.૩૩)ની ફરિયાદ પરથી જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં જયદિપ ઉર્ફ યુવરાજસિંહ ઉર્ફ લક્કીરાજસિંહ જગતસિંહ જાડેજા, (ઉ.૨૮) તથા સુરેન્દ્રનગરમાં વિઠ્ઠલ પ્રેસ પાસે શેરી નં. ૩માં રહેતાં રાજદિપસિંહ નરેન્દ્રસિંહ ડાભી (ઉ.૨૮), તેના પત્નિ અંજલીબા રાજદિપસિંહ ડાભી (ઉ.૨૫) તથા યશ બાબુભાઇ ચાવડા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૧૭, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી મુજબ ખોટા દાગીના પર સોનાનો ઢાળ ચડાવી સોનાની ખરાઇનો ખોટો હોલમાર્ક લગાવી આવા દાગીના બેંકમાં રજૂ કરી તેના પર કુલ રૂ. ૩૪,૬૯,૮૭૫ની લોનો મેળવી લઇ ઠગાઇ કરવા સબબ ગુનો નોંધી સુત્રધાર લક્કીરાજસિંહ તથા સુરેન્દ્રનગરના રાજદિપસિંહ તથા અંજલીબાની ધરપકડ કરી છે.

પોલીસ એફઆઇઆરમાં રજનીબેન મકાણીએ જણાવ્યું છે કે ૩/૨/૧૮ના રોજ પોતે બેંકમાં નોકરી પર હતાં ત્યારે એક યુવક અને યુવતિ આવ્યા હતાં. તેણે ગોલ્ડ લોન લેવી છે તેવી વાત કરતાં બંનેને આ અંગેના નિયમો સમજાવ્યા હતાં. યુવાને પોતાનું નામ જયદિપ અને સાથેની યુવતિએ પોતાનું નામ અંજલીબા રાજદિપસિંહ ડાભી જણાવ્યું હતું. નિયમો સમજ્યા બાદ આ બંને લોન લેવા તૈયાર થયા હતાં અને પોતાની પાસે ૧૧૨.૩૪ ગ્રામ સોનુ હોઇ આ સોનુ સાચુ છે કે ખોટુ તેની તપાસ કરાવવા બેંકના નિમાયેલા વેલ્યુઅર દિપકભાઇ લુંભાણીને બોલાવતાં તેણે તપાસ કરી સોનુ બરાબર હોવાનો રિપોર્ટ આપતાં આ સોના પર રૂ. ૧,૯૯,૭૬૦ની લોન અંજલીબા ડાભીના નામે મંજુર કરી તેને આ રકમ ચુકવી આપી હતી.

એ પછી ૨૭/૨/૧૮ના રોજ ફરીથી અંજલીબા અને રાજદિપસિંહ ડાભી બેંકમાં આવ્યા હતાં અને ૧૪૩.૨૭ ગ્રામ સોનાના દાગીના, ૧૩/૩ના રોજ ૧૨૨.૦૧ ગ્રામ સોનાના દાગીના, ૩/૪/૧૮ના રોજ ૧૨૬.૩૩ ગ્રામ સોનાના દાગીના લઇને આવ્યા હતાં. આ દાગીના વેલ્યુઅર દિપકભાઇ લુંભાણીએ ચકાસીને બરાબર હોવાનો રિપોર્ટ આપ્યા બાદ અનુક્રમે રૂ. ૨,૬૨,૯૪૫, ૨૫૧,૧૬૧ અને ૨,૬૧,૬૨૫ની લોન મંજુર કરી અંજલીબા રાજદિપસિંહ ડાભીના નામે મંજુર કરી તેને આ રકમ રોકડેથી ચુકવી આપી હતી.

બ્રાંચ મેનેજર રજનીબેને પોલીસને વધુમાં જણાવ્યું હતું કે ૧૯/૨ના રોજ રાજદિપસિંહ ડાભી અને અંજલીબાએ ૧૧૯.૬૧ ગ્રામ સોનાના દાગીના, ૨૭/૨ના રોજ ૧૪૩.૯૭ ગ્રામ, ૨૨/૩ના રોજ ૫૬.૮૬ ગ્રામ, ૩/૪ના રોજ ૨૭૩.૪૪ ગ્રામ દાગીના રજુ કરી લોન માંગતા ફરીથી વેલ્યુઅર મારફત આ દાગીના તપાસ કરાવી રૂ. ૨,૪૨,૦૧૮, રૂ. ૨,૮૯,૧૯૧ તથા રૂ. ૧,૧૭,૨૦૮ રોકડા ચુકવી અપાયા હતાં. આ લોનની કુલ રૂ. ૫,૬૫,૧૧૦ની રકમ રાજદિપસિંહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઇ હતી.

એ પછી યશ બાબુલાલ ચાવડાએ ૨૦/૨ના રોજ શારદા બાગ પાસેની આઇસીઆઇસીઆઇ બેંકની બ્રાંચમાં ૬૮ ગ્રામ સોના પર રૂ. ૧,૨૧,૩૯૬ની લોન, ૨૩/૨ના રોજ ૯૦.૦૭ ગ્રામ સોના પર ૧,૮૨,૫૩૯ની લોન, ૫/૩ના રોજ ૬૨.૦૬ ગ્રામ સોના પર ૧,૨૭,૬૭૩ની લોન લઇ લીધી હતી. આ લોન પેટે તેને રોકડા ચુકવાયા હતાં. એ પછી ૫/૩ના રોજ ૧૪૩.૮૨ ગ્રામ સોનાના દાગીના પર રૂ. ૨,૯૬,૧૬૦ની લોન લીધી હતી. જે આ બ્રાંચના ડિમાન્ડ ડ્રાફટથી ચુકાવયેલ.

ત્યાર પછી મવડી રોડ બ્રાંચમાંથી પણ યશ ચાવડાએ ૫,૫૩,૦૮૬ની લોન ૨૬૯.૨૪ ગ્રામ સોના પર મેળવી આ નાણા ત્રિકોણબાગની એસબીઆઇ બેંકમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતાં. શારદા બાગ પાસેની બ્રાંચમાં રજુ કરાયેલા સોનાની ચકાસણી વેલ્યુઅર આસીતભાઇ બારભાયા દ્વારા કરવામાં આવી હતી. તેમજ મવડી રોડ બ્રાંચના દાગીનાની ચકાસણી દિપકભાઇ લુંભાણીએ કરી હતી.

છેલ્લે ૨૩/૪/૧૮ના રોજ બેંકના નિયમો મુજબ બીજા સોની દ્વારા ઓડિટ કરાવવામાં આવતાં અને ગોલ્ડ લોન માટે આવેલા તમામ સોનાના દાગીનાની ફરીવાર ચકાસણી કરાવવામાં આવતાં આ તમામ દાગીના સોનાના ન હોવાનું અને કોઇ ધાતુ પર સોનાનો ઢાળ ચડાવી તેના પર સાચા દાગીના હોવાનો ખોટો હોલમાર્ક લગાડવામાં આવ્યાનું ફલીત થયું હતું. જેથી આ લોન લેનારા ગ્રાહકોના નામ-સરનામા અંગે ઇન્વેસ્ટીગેશન શરૂ થતાં ગ્રાહકોએ રજૂ કરેલા રહેણાંકના પુરાવાના સ્થળે તે રહેતા જ નહિ હોવાનું અને જયદિપનું સાચુ નામ યુવરાજસિંહ ઉર્ફ લક્કીરાજસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સ અગાઉ પણ સોની વેપારીઓને નકલી સોનુ ધાબડી ઠગાઇ કરવામાં પકડાઇ ગયાની પણ ખબર પડી હતી.

આમ લક્કીરાજસિંહ ઉર્ફ જયદિપ ઉર્ફ યુવરાજસિંહે ટોળકી રચી બેંકની ત્રણ બ્રાંચોમાં નકલી સોનાના દાગીના રજુ કરી કુલ ૧૭૩૧.૦૨ ગ્રામ સોના ઉપર રૂ. ૩૪,૬૯,૮૭૫ની ગોલ્ડ લોન લઇ ઠગાઇ કર્યાનું જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી બલરામ મીણા અને એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમના પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, કોન્સ. ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, દિગપાલસિંહ જાડેજા સહિતે ત્રણ આરોપી લક્કીરાજસિંહ ઉર્ફ યુવરાજસિંહ જાડેજા, રાજદિપસિંહ ડાભી અને અંજલીબા ડાભીની ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે. (૧૪.૯)

લક્કીરાજ ઉર્ફ યુવરાજસિંહ ઉર્ફ જયદિપે નકલી સોનુ જુનાગઢના શખ્સ પાસે બનાવડાવ્યું'તું : તેના પિતા પોલીસમાં ફરજ બજાવે છેઃ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતા આ શખ્સે અગાઉ પણ નકલી સોનુ ધાબડી ત્રણ વેપારીઓને છેતર્યા હતાં

સુરેન્દ્રનગરનો રાજદિપસિંહ અત્તરની એજન્સી ધરાવે છેઃ લક્કીરાજસિંહ તેને મોટા કમિશનની લાલચ આપી'તીઃ પણ લોન મંજુર થયા બાદ ફદીયુય ન દીધું!!

. બેંકમાં લાખોનું નકલી સોનુ ધાબડી દઇ લોન મેળવી લઇ ઠગાઇ કરનારા સુત્રધાર લક્કીરાજસિંહ ઉર્ફ યુવરાજસિંહ અને તેની સાથેના રાજદિપસિંહ ડાભી તથા અંજલીબા ડાભીને ભકિતનગર પોલીસે ઝડપી લઇ પુછતાછ કરતાં નકલી સોનુ લક્કીરાજસિંહે જુનાગઢના એક મુસ્લિમ શખ્સ પાસે બનાવડાવ્યાનું બહાર આવ્યું છે. આ નકલી સોનામાં હોલમાર્ક પણ નકલી લગાડી દેવામાં આવતો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ લક્કીરાજસિંહ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવવાની ટેવ ધરાવે છે. પોતાના આ શોખ પુરા કરવા તે ચિટીંગ કરતો હતો. અગાઉ પણ શહેરના ત્રણ સોની વેપારીઓને આ રીતે નકલી સોનુ ધાબડીને ઠગાઇ કરતાં ભકિતનગર અને ગાંધીગ્રામમાં ગુના નોંધાયા હતાં. લક્કીરાજસિંહના પિતા રાજકોટ રૂરલમાં એમ.ટી. ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

તેની સાથે ઠગાઇમાં સામેલ થયેલો સુરેન્દ્રનગરનો રાજદિપસિંહ ડાભી અગાઉ રાજકોટમાં જ નોકરી કરતો હોઇ તેનો પરિચય લક્કીરાજસિંહ સાથે હતો. હાલમાં તે સુરેન્દ્રનગરમાં અત્તરની એજન્સી ધરાવે છે. લક્કીરાજસિંહે તેને અને તેની પત્નિને પોતાના નામે લોન લેશે તો મોટુ કમિશન મળશે તેવી લાલચ આપી હતી. પરંતુ લાખોની લોન આ દંપતિએ પોતાના નામે લઇ રકમ લક્કીરાજસિંહને આપી દીધા બાદ આ દંપતિને કમિશનના નામે ફદીયુય અપાયું ન હોવાનું પણ બહાર આવ્યું છે. ત્રણેયની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે અને ચોથા આરોપીની શોધખોળ થઇ રહી છે.

(5:27 pm IST)