Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જાગનાથ પ્લોટમાં રહેતાં એસટી કર્મચારી સુરેશભાઇ મકવાણાએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો

સોરઠીયા રાજપુત પ્રોૈઢે રામકૃષ્ણનગર પાસેથી પત્નિને ફોન કરી છાતીમાં દુઃખતું હોવાની વાત કરીઃ તબિબી તપાસમાં ઝેર પી લીધાનું ખુલ્યું: બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત : બે બહેનના એકના એક ભાઇ હતાં: આર્થિક ભીંસ કારણભુત?

રાજકોટ તા. ૧: જુના જાગનાથ પ્લોટમાં રહેતાં અને એસટી કર્મચારી સોરઠીયા રાજપૂત પ્રોૈઢે ઝેર પી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસને લીધે પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ જુના જાગનાથ પ્લોટ-૬/૧૧માં રહેતાં અને રાજકોટ એસટી ડેપોમાં કેશીયર-કલાર્ક તરીકે ફરજ બજાવતાં  સુરેશભાઇ ભુપતભાઇ મકવાણા (ઉ.૫૨)એ સાંજે છએક વાગ્યે પત્નિ રશ્મિબેનને ફોન કરી પોતે રામકૃષ્ણ આશ્રમ પાસે હોવાનું અને છાતીમાં દુઃખતું હોવાની વાત કરતાં પરિવારજનો દોડી ગયા હતાં અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્ર.નગરના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને જયદિપભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સુરેશભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં અને પરિવારનો આધાર સ્તંભ હતાં. સંતાનમાં બે દિકરી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. છતાં વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(11:47 am IST)