Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સહયોગથી

રેસકોર્ષ મેદાનમાં ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ સુવિધાનો પ્રારંભઃ રૂ.૭૦૦નો ચાર્જ લેવાશે

ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ સિનિયર સીટીઝન, દિવ્યાંગ તેમજ સગર્ભા મહિલાઓ માટે સગવડ ઉભી થશે : સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ટેસ્ટીંગ કેમ્પનો પ્રારંભ

ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટ : શહેરમાં મ.ન.પા. દ્વારા ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીના સહયોગથી આજથી રેસકોર્ષ મેદાનમાં ડ્રાઇવ થ્રુ કોરોના ટેસ્ટનો પ્રારંભ થયો તે વખતની તસ્વીરમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા ટેસ્ટીંગ સ્ટેશનનો પ્રારંભ કરાવી રહેલા દર્શાય છે. તેઓની સાથે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં. ૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરિયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડિયા, પૂર્વ મેયર ઉદય કાનગડ, બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ : હાલમાં, કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધેલ છે. જેના કારણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સીટીઝનો, દીવ્યાંગો કે સગર્ભા મહિલાઓને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને પરિસ્થિતિને કારણે તેમાં વિલંભ પણ થતો હોય છે અને કોરોના સંક્રમિતનો ભય પણ રહે. જે બધી બાબતો ધ્યાનમાં રાખીને આજ તા. ૧ મે અને ગુજરાત રાજયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ કવિ શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ. તથા એ.આર. સિંહ, તેમજ ન્યુબર્ગ સુપ્રાટેકના ડોકટર તથા તેનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ. મેયર ડો.પ્રદિપ ડવએ લોકોની સગવડતા માટે ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર.  ટેસ્ટના આયોજનની સરાહના કરેલ. અમદાવાદ ન્યુબર્ગના ડિરેકટર ડો.સંદીપ શાહનું માર્ગદર્શન મળેલ છે. મેદાનમાં જ ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યકિતના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે ત્યારબાદ વ્યકિત પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં ૨૪ થી ૩૬ કલાકના સમયગાળામાં સંબંધિત વ્યકિતને વોટ્સએપ, ઈમેઈલ કે એસ.એમ.એસ.ના માધ્યમથી રીપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે.

ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ એ ખુબજ ઝડપી અને સાનુકુળ ટેસ્ટિંગ પદ્ઘતિ છે. આ ટેસ્ટમાં કોઈ પણ વ્યકિત પોતાનું વાહન લઈને ટેસ્ટિંગ સ્થળ પર જઈને વિના વિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂ.૭૦૦ છે.

વ્યકિતએ  ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર.  ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા શરૂ થયેલ છે. જયારે હવે આ સુવિધા રાજકોટમાં પણ લોકોને ઉપલબ્ધ્ધ બની છે. ટેસ્ટિંગ માટેનું પેમેન્ટ રોકડા, પેટીએમ, કે યુ.પી.આઈ. દ્વારા કરી શકાશે.

(3:09 pm IST)