Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મેડિકલ કોલેજમાં ૧૦૦ જેટલા વેન્ટીલેટર પડ્યા હોઇ સત્વરે ઉપયોગમાં લોઃ ગાયત્રીબા વાઘેલા

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાની રજૂઆત : એક તરફ ગરીબ દર્દીઓને વેન્ટીલેટરવાળા બેડ મળતાં નથી, બીજી તરફ સેંકડો વેન્ટીલેટર ધૂળ ખાય છે તેમાં કોની બેદરકારી?: જવાબદારો સામે પગલા ભરો અને વેન્ટીલેટર સત્વરે ઇન્સ્ટોલ કરાવો તેવી તબિબી અધિક્ષક ડો. ત્રિવેદીને લેખિત રજૂઆત

રાજકોટ તા. ૧: કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ   દર્દીઓને વેન્ટીલેટરવાળા બેડ મળતાં નથી ત્યારે સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના સ્ટોર રૂમમાં આશરે ૧૦૦ જેટલા વેન્ટીલેટર પડ્યા હોવાનું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાએ શોધી કાઢી આ મામલે તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને લેખિત આવેદન પાઠવી તેમજ જીલ્લા કલેકટરશ્રીને પણ રજૂઆત કરી જણાવ્યું છે કે એક તરફ  રાજ્ય સરકાર કોરોના દર્દીઓ માટે વેન્ટીલેટરની ફાળવણી કરે છે અને બીજી તરફ હોસ્પિટલના તંત્રવાહકો વેન્ટીલેટર મળ્યાના દસ-પંદર દિવસો પછી પણ તેને ઉપયોગમાં લઇ શકતા નથી.

ગાયત્રીબા વાઘેલા અને મનિષાબા વાળાએ તબિબી અધિક્ષકના પ્રતિિનિધને લેખિત આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે વૈશ્વીક મહામારી કોરોનાના કારણે શહેરમાં મેડિકલ સંશાધનોની મોટી અછત સર્જાઇ છે. જેના કારણે અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. મોતના સિલસિલાને અટકાવવા રાજ્યનું આરોગ્ય  તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે. વધારાના કોવિડ સેન્ટરો અને ઓકિસજન-વેન્ટીલેટર સાથેના બેડની સુવિધા આપવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે.

ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓ માટે જે વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે તે સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં ધૂળ ખાઇ રહ્યા છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે દસ-પંદર દિવસ વીતવા છતાં વેન્ટીલેટરનો યોગ્ય જગ્યાએ મુકાયા નથી અને યોગ્ય માત્રામાં ઉપયોગ થઇ શકયો નથી. ૧૦૦ કરતાં વધુ વેન્ટીલેટર સરકારી મેડિકલ કોલેજમાં ધુળ ખાઇ રહ્યા છે. કોરોના દર્દીઓ માટે વેન્ટીલેટર બેડની અછત છે અને ખાનગી હોસ્પિટલો તગડી ફી વસુલ કરે છે ત્યારે સ્િવિલ હોસ્પિટલ તંત્રની ઉદાસીનતા અને ઘોર લાપરવાહીને કારણે સોેરાષ્ટ્ર-રાજકોટના ગરીબ દદર્દીઓને વેન્ટીલેટર બેડનો લાભ મળી રહ્યો નથી.

દસ-પંદર દિવસથી વેન્ટીલેટર આવી ગયા હોવા છતાં શા માટે તેને ઇન્સ્ટોલ કરીને દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતાં નથી? આ મામલે સત્વરે કાર્યવાહી કરવા અને જેની જવાબદારી હોય તેની સામે પગલા લેવા પણ રજૂઆતના અંતે માંગણી કરી છે.

હાલમાં અપડેટ વર્ઝનના ધમણ-૩ વેન્ટીલેટર વપરાય છે, જરૂર પડ્યે ધમણ-૧નો ઉપયોગ થાય છેઃ ડો. ત્રિવેદી

તબિબી અધિક્ષકનો ખુલાસો-વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે તેવી રજૂઆત એકદમ ખોટી

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્પિટલમાં આવેલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના સ્ટોર રૂમમાં સો કરતાં પણ વધુ વેન્ટીલેટર ધૂળ ખાતા પડ્યા હોઇ તેનો ઉપયોગ નહિ થઇ રહ્યાની પ્રદેશ કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા અને મનિષાબા વાળાએ જે રજૂઆત કરી છે તે ખોટી હોવાનો ખુલાસો કરતાં સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે વેન્ટીલેટર મેડિકલ કોલેજમાં રખાયા છે તેનો ઉપયોગ જરૂર પડ્યે થાય છે. કારણ કે એ વેન્ટીલેટર ધમણ-૧ છે. હાલમાં જે વેન્ટીલેટર વાપરવામાં આવી રહ્યા છે તે ધમણ-૩ પ્રકારના અપડેટ વર્ઝનના છે.

ડો. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે મેડિકલ કોલેજના સ્ટોર રૂમમાં વેન્ટીલેટરને સાચવીને રાખવામાં આવ્યા છે. કારણ કે એ વેન્ટીલેટર ગયા વર્ષે આવેલા હતાં. હાલમાં ધમણ-૩ કે જે અપડેટ વર્ઝન છે તે સિવિલ હોસ્પિટલ પાસે પુરતા પ્રમાણમાં છે અને જરાપણ ઘટ નથી. આથી આ વેન્ટીલેટરનો ઉપયોગ જ કરવામાં આવે છે. ધમણ-૧ પ્રકારના વેન્ટીલેટરનો પણ જ્યારે જરૂર પડે ત્યારે બેકઅપમાં વપરાય છે. જરૂરીયાત મુજબ હાલમાં અપગ્રેડ વર્ઝનના વેન્ટીલેટર હોવાથી શરૂઆતમાં આવેલા ધમણ-૧નો ઉપયોગ ઓછો થઇ રહ્યો છે.  વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે તેવી રજૂઆત યોગ્ય નથી. તેમ વધુમાં ડો. ત્રિવેદીએ કહ્યું હતું.

(2:51 pm IST)