Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હૈદરીચોકમાં માસ્ક વગર ક્રિકેટ રમતા ૧૨ ઝપટે ચડ્યાઃ કર્ફયુ ભંગના ૯૬, માસ્કના ૩૧ મળી કુલ ૧૪૪ કેસ

દુકાન ખુલ્લી રાખી વેપાર કરનારા ૬ વેપારી : રીક્ષા અને ફોર વ્હીલમાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલકો કર્ફયુમાં લટાર મારતા ત્રણ ડ્રોન કેમેરામાં ઝડપાયા

રાજકોટ,તા. ૧ : કોરોના મહામારી અંતર્ગત કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ મીની લોકડાઉન જાહેર કરવામાં આવતા શહેર પોલીસ દ્વારા જુદા -જુદા વિસ્તારોમાં કડક પાલન કરાવી રહી છે. ત્યારે ગઇ કાલે દૂધ સાગર રોડ પરના વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ક્રિકેટ મેચ રમતા ૧૨ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે કર્ફયુ ભંગ, માસ્ક અને દુકાન ખુલ્લી રાખવા અંગેના કુલ ૧૪૪ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મીની લોકડાઉન જાહેર થતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલરના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે અને ઔદ્યોગીક -વાણીજ્ય એકમો અથવા કારખાના, ઓફીસો તેમજ ખાણી પીણીની દુકાનો તથા આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવા બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવતા પોલીસ કડક પાલન કરાવી રહી છે. જ્યારે ગઇ કાલે પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન કર્ફયુ ભંગ, માસ્કના, દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનાાઓ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે. જેમાં થોરાળા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન દૂધસાગર રોડ હૈદરી ચોકમાં કર્ફયુમાં માસ્ક પહેર્યા વગર અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કર્યા વગર જાહેરમાં ક્રિકેટ રમતા ૧૨ શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી. તેમજ અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ કર્ફયુ ભંગા ૯૬, માસ્કના ૩૧, ખાણીની, ચાની, ઇલેકટ્રોનીકસની સહિતની દુકાનો ખુલ્લી રાખી માસ્ક વગર વેપાર કરનારા ૬ વેપારીઓ તથા ડ્રોન કેમેરાની મદદથી ત્રણ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે.

(2:44 pm IST)