Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

યુવાધન ઉમટ્યું : શહેરમાં બપોરના ૧ વાગ્યા સુધીમાં ૪૮ સ્થળોએ ૮૩૬૨ યુવાઓએ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટમાં આજથી ૬ લાખ યુવાઓ માટે ૪૮ કેન્દ્રોમાં રસિકરણ અભિયાન શરૂ

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૧લી મે (ગુજરાત સ્થાપના દિન)થી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેકિસન આપવાના નિર્ણય : વેકિસન લેવા માટે જેઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેઓને વેકિસન આપવાનું શરૂ : આજે પ્રથમ દિવસે ૧૦ હજારનું રજીસ્ટ્રેશન

વેકસીનેશન કેન્દ્રોમાં યુવાનોની લાઇનો લાગીઃ અનેકને ના પાડી દેવાતા કચવાટની લાગણી : રાજકોટ : શહેરમાં આજથી યુવાનોને કોરોના વેકસીન આપવાનાં મહા અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે જ ૧૦ હજારનું રજીસ્ટ્રેશન થતાં વેકસીનેશન કેન્દ્રો પર સવારથી જ યુવાનોની લાઇનો લાગી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. મ.ન.પા.નાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ સમગ્ર કામગીરીની વ્યવસ્થા સંભાળી રહેલા દર્શાય છે. દરમિયાન અનેક કેન્દ્રોમાં લાઇનમાં ઉભેલા કેટલાક લોકોને રસી કરણની ના પાડી દેવાતા આવા લોકોમાં નારાજગી અને કચવાટ જોવા મળ્યો હતો. જો કે આ બાબતે તંત્રવાહકોએ એવુ સ્પષ્ટ કર્યુ હતું કે જે લોકોનું રજીસ્ટ્રેશન થયુ ન હોય, અથવા તો આધાર કાર્ડ જેવા જરૂરી પુરાવા ન હોય તેવા લોકોનું રસીકરણ થઇ શકતુ નહી હોવાથી આવા કેટલાક કિસ્સાઓ બન્યા છે. અને આવા લોકોને રજીસ્ટ્રેશન તેમજ જરૂરી આધાર પુરાવા લઇને રસી મુકાવવા માટે સમજણ અપાઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ : મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા એક યાદીમાં જણાવે છે કે, દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ૧૮ થી ૪૪ સુધીના દેશવાસીઓને  કોરોનાના જંગ સામે લડત લડવા માટે તા. ૧ મે થી વેકિસન આપવાનો નિર્ણય કરેલ જેના અનુસંધાને ગુજરાત રાજયના સંવેદનશીલ  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે તા.૧લી મે(ગુજરાત રાજયના સ્થાપના દિન)થી રાજયના ૧૦(દસ) જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વર્ષ સુધીના લોકોને નિઃશુલ્ક વેકિસન આપવાનો નિર્ણય કરેલ છે. આ ૧૦ જીલ્લાઓમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ થયેલ છે. મુખ્યમંત્રીશ્રીના નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જુદા-જુદા ૪૮ સ્થળોએ ૧૮ થી ૪૪ વર્ષ સુધીના અંદાજે ૬ લાખ લોકોને વેકિસન આપવાનો પ્રારંભ કરેલ છે. આજે પ્રથમ દિવસે ૧૦ હજાર લોકોનું રજીસ્ટ્રેશન થયેલ.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શહેરના તમામ વોર્ડમાં અન્ય સ્થળોએ આવેલ જુદી જુદી સ્કુલોમાં વેકિસનેશન માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.

૧૮ થી ૪૪ વર્ષના શહેરીજનો કે જેઓએ વેકિસન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓને જ વેકિસન આપવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની કોવીડ વેકિસનેશન અંગેની વેબસાઈટ પર સંબંધિત વય જૂથની વ્યકિતઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ વેકિસનેશન માટેની તારીખ અને વેકસીનેશન માટેનો પોતાને અનુકુળ સમય (ટાઈમ સ્લોટ) બુક કરાવવાનો રહેશે. જે અંગેનું કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર  સમયે-તારીખે વેકિસનેશન માટે જવાનું રહેશે.

કોરોના સામેની લડાઈમાં હવે આ વેકિસન શસ્ત્રને આશાના કિરણ સમાન છે જેથી જે વ્યકિતઓએ વેકિસનેશન માટે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલ નથી તે તમામ વહેલાસર રજીસ્ટ્રેશન કરાવે તેવી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય કમિટીના ચેરમેને અપીલ કરેલ છે.

  • ખાનગી હોસ્પીટલોમાં વેકસીનેશન બંધ થવા લાગ્યુ

રાજકોટ : શહેરની ખાનગી હોસ્પીટલોમાં પણ કોરોના વેકસીન સરકારના નિયત ચાર્જ લઇને આપવામાં આવતી હતી. પરંતુ હવે ધીમે ધીમે ખાનગી હોસ્પીટલોમાં વેકસીનેશન બંધ થવા લાગ્યુ છે. તેની પાછળ રસી લેવાવાળાની સંખ્યા નહી થતી હોવાનું ટેકનીકલ કારણ અપાઇ રહ્યું છે. જો કે આજથી યુવાઓનાં મોટા વર્ગને રસી આપવાનો પ્રારંભ થયો છે. ત્યારે વેકસીનની અછત પણ કારણભુત હોવાની ચર્ચા છે.

(3:08 pm IST)