Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નાટયાંજલી કૌશિક સિંધવ

રંગભૂમિ નાટકોનો સ્વાભાવિક કોમેડીયન સ્વ.કિરણ કિકાણી

૭૦-૮૦ના દાયકા દરમિયાનના તેના નાટકોમાં કિરણે પોતાના હાસ્યપ્રચુર અભિનયથી એક ખાસ ઓળખ બનાવી હતી સ્ટેઇજ પર પ્રવેશના પહેલા સંવાદથી જ એ પ્રેક્ષકોમાં છવાઇ જતો

એ મારાથી લગભગ એક દાયકો નાનો છતા અમારે જીવનપર્યત બંનેને તુંકારાનો સંબંધ રહ્યો. આ તુકારામાં સાલી કંઇક અતરંગ અનુભુતી થતી હોય છે. રાજકોટ રેડીયોના ગોલ્ડન એશના નાટય નિર્માતા સ્વ.હરસુખ કિકાણીનો એ સૌથી નાનો પુત્ર બાપ એવા બેટા અને વડ એવા ટેટા કહેવતને ઘણે ખરે અંશે યથાર્થ ઠેરવનારએ હતો મિત્ર કિરણ જે ૧૯-૧૯ દિવસ સુધી કોરોના સામે ઝઝુમ્યો ને અંતે કાળમુખા કોરોનાએ પુરી તાકાત લગાવી તેના શ્વાસ થંભાવી દીધા.

પિતા રેડીયોનાટકોના નિર્માતા અભિનેતા રંગભુમી પરના ઘણા નાટકો માહેના જાગતા રહેજો તથા ઇશ્વરે ઘર બદલ્યુ ના આબાદ અભિનેતા એ વખતની પ્રખ્યાત હિન્દી ફિલ્મ હિરોઇન નલીની જવલંત સાથે વારસદાર ગુજરાતી ફિલ્મમાં હીરો તેમજ હાસ્યકાર તરીકે ગુજરાત મુંબઇમાં અનેક સફળ જાહેર હાસ્ય કાર્યક્રમો રજૂ કરનાર હરસુખભાઇનો કિરણ પુત્ર હોવાથી અભિનય કલા તો તેના જીન્સમાં હતી જ. પીડીએમ કોલેજમાં અભ્યાસ દરમિયાન કાર્યક્રમોમાં તેની હાજરી હોય જ. કોલેજના નાટક (૧૯૭૪)માં લાવ લાવને લાવમાં એક કલાકાર તરીકે ઝબકયો. પોતાની જ્ઞાતિ નાગર મંડળના નાટકોમાં પણ હાસ્યપ્રચુર ભુલીકાઓમાં પોતાની ખાસ હાજરી પુરાવતો ગયો ને એ વખતના જૂદા જૂદા નાટયગૃપોમાં પ્રવૃત થતો ગયો. કિસ્સા લગનકા, છતમાં છકી ગયા, લાવ લાવ ને લાવ, કુંવારાએ કરી લીલા, ટાળો ટાળો તોયે ગોટાળો, તરતા પથ્થર, કાબા કુંવારા અને કાળા બજારીયા માહેના વિશેષ મારા દિગ્દર્શનમાં સર્જાયા હતા તે વિશેષતઃ હાસ્યપ્રધાન હતા. એ વખતના (૧૯૭૦-૮૦) કડકાઇના જમાનામાં કોઇ વ્યકિત કે સરકારી આર્થિક સહાય ન મળતા એ કડકાઇના સમયે ૧૫ પ્રયોગ થયેલ. અમારા રવિન્દ્ર કલા ભવનના નાટક કુવારા એ કરી લીલામાં કિરણે જીવેલ ફોટોગ્રાફર ગિરીશની હાસ્ય ભૂમિકામાં ખોખા કાઢી નાખ્યા હતા. ૧૯૬૬માં અમદાવાદમાં જય શંકર સુંદરી હોલના પ્રયોગ વખતે તેમણે પ્રેક્ષકોને બેવડાવાળી દીધા હતા. સંવાદ પુટઅપનું ટાઇમીંગ અને અંગિક અભિનયનો સુમેળ સાધી હાસ્ય નિષ્પન્ન કરવાનો તેનો કસબ કમાલનો હતો. એક તબકકે રેડીયો નાટકોના કલાકારની માન્યતા મેળવી સંખ્યાબધ્ધ રેડીયો નાટકોમાં પણ સંભળાતો થયો હતો અમારો આ કિકો આ કિકો પછીથી કાકા તરીકે તેના પિતાજીની જેમ જ જાણીતો થયો હતો.

કિરણ દૂર દર્શનમાં નોકરીએ જોડાયા બાદ રંગમંચ તેના માટે મંદ થતો ગયો. કેમકે નોકરી બાબતે તેનો રાજકોટ, અમદાવાદ તથા મુંબઇ બદલી થતી રહી જો કે રાજકોટ દૂરદર્શનમાં તે વધુ સેવારત રહ્યો. દૂરદર્શનના આ તમામ કેન્દ્રોમાં કાર્યક્રમ નિર્માતા તરીકે અનેક પ્રકારોના કાર્યક્રમો નિષ્પાંદિત કર્યા જેને માટે તેને સારી એવી લોકચાહના મળી.

હસમુખ સ્વભાવ, સામેનાને કદાચ દુઃખ લાગી જાય એટલી હદ સુધીનો સ્પષ્ટ વકતા, બર્હિમુખી, વિશાળ ચાહક તથા મિત્રવર્તુળ ધરાવનાર લગત સૌને જમાડવાનો શોખીન અને રંગભૂમિ નાટકોનો રોનકી રંગલો કહી શકાય તેવો હાસ્ય કલાકાર કિરણે કિકાણી અત્યારે જયા હશે એ એ જ હશે, જેવા અમારા સૌ સાથે હતો.

(10:43 am IST)