Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભાડેર ખૂન કેસમાં સલીમ અને આમદ સાંઘનો એટીએસ પાસેથી કબ્જો લેતી રાજકોટ સીઆઈડી

રાજકોટ, તા. ૧ :. ધોરાજીના પાટણવાવ તાબેના ભાડેર ગામે જમીનના ડખ્ખામાં જીવણભાઈ સાંગાણીના અપહરણ અને મર્ડર કેસમાં વોન્ટેડ બે શખ્સોને એટીએસની ટીમે ઝડપી લીધા બાદ આ બન્નેનો રાજકોટ સીઆઈડી ક્રાઈમની ટીમે કબ્જો લઈ પૂછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાટણવાવના ભાડેર ગામે જમીનના ડખ્ખામાં ૪ જુલાઈ ૨૦૧૮ના રોજ જીવણભાઈ સાંગાણીની ગોળી ધરબી હત્યા કરાઈ હતી. આ ગુન્હામાં અગાઉ ૩ આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર જુસબ સંધી સહિતના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોય જે પૈકી બે આરોપીઓ સલીમ હબીબભાઈ સાંઘ (રહે. રવની, તા. વંથલી) અને આમદ હાસમભાઈ સાંઘ (રહે. જાપોદર, તા. વંથલી) વંથલીના રવની ગામની સીમમાં સલીમની વાડીએ આવ્યા હોવાની બાતમી મળતા એટીએસની ટીમે છાપો મારી ઉકત બન્નેને ઝડપી લીધા હતા. દરમિયાન આ ચર્ચાસ્પદ હત્યા કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે હોય રાજકોટ સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી આર.એસ. પટેલ, મહિલા પીએસઆઈ સાકળીયા, હેડ કોન્સ. પી.કે. જાડેજા, દિલીપભાઈ ચાવડા તથા વિજયભાઈ સહિતના સ્ટાફે એટીએસે ઝડપી લીધેલ ઉકત બન્ને આરોપીઓનો કબ્જો લઈ પૂછતાછ હાથ ધરી છે. ઉકત બન્ને શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાય છે. આ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર જુસબ અલારખા હજુ ફરાર છે અને તે અત્યંત જનૂની સ્વભાવનો છે અને ૧૪ વર્ષ પૂર્વે રાજકોટ જિલ્લામાં શ્રેણીબદ્ધ લૂંટ કરી પોલીસને હંફાવી દીધી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે જુસબની શોધખોળ હાથ ધરી છે.

(4:02 pm IST)