Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

આવતા મંગળવારે પરશુરામ જયંતિ : ઈશ્વરીયા મંદિરે મહાપૂજા-મહાઆરતી-ભજન-ભોજન

ભૂદેવો દ્વારા તડામાર તૈયારીઓ : કાલે ગુરૂવારે મીટીંગ

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઈ રાવલની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે, ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે. તેમની ગણના શ્રીહરિના દશાવતારોમાં થાય છે. તેના પરથી જ તેમનું મહત્વ સમજી શકાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર સહિત વિભિન્ન દિવ્યાસ્ત્રોના    સંચાલનમાં પણ તેઓ પારંગત હતા. તેમના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભુલોક પર રહેવાનું વરદાન આપ્યુ હતું. ત્યારે આગામી તા.૭ના મંગળવારે અખાત્રીજના  પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મજયંતિ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઈશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

દર વર્ષે શહેરના પ્રસિદ્ધ અને લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર સ્વયંભુ એવા ઈશ્વરીયા મહાદેવ ખાતે પરશુરામ મંદિર ખાતે ભગવાન પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે તા.૭ના મંગળવારે અખાત્રીજના પાવન અવસરે પરશુરામ જન્મજયંતિ અંતર્ગત સવારે ૧૦ કલાકે પરશુરામદાદાની મહાપૂજા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ રાત્રે ૮ કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે અને ભકિત ભજન અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સર્જાશે.

આ કાર્યક્રમમાં તમામ તડગોળના પ્રમુખ - મહામંત્રીઓ, સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પ્રદિપભાઈ રાવલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ મળેલ છે. સમસ્ત ભૂદેવોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયુ છે.આગામી તા.૭ના રોજ મંગળવારે અખાત્રીજના પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મજયંતિ છે ત્યારે શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઈશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિતે અનેકવિધ કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે આવતીકાલે તા.૨ના ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક ખાતે તમામ તડગોળના પ્રમુખ, મહામંત્રી કારોબારી સભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં ભૂદેવોને સમયસર ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.

આયોજનમાં સમીર એમ. ખીરા, દિપકભાઈ સુડીયા (જોષી), મોહીતભાઈ લહેરૂ, અજયભાઈ સાતા, નિરંજનભાઈ દવે અને સતીષભાઈ રાવલ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)