Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

રાજકોટના આઇ.એ.એસ. કેડરના પાંચ અધિકારીઓની બદલી : માત્ર D.D.O. યથાવત

કેતન ઠક્કરની આઇ.એ.એસ. અધિકારી તરીકેની પ્રથમ નિમણૂક પોરબંદર ડી.ડી.ઓ તરીકે : અરૂણ મહેશ બાબુની યુ.જી.વી.સી.એલ.માં બદલી, તેમના સ્‍થાને પ્રભાવ જોષી નવા કલેકટર : અમિત અરોરા કચ્‍છમાં કલેકટર, મ્‍યુ. કમિશનર પદે આનંદ પટેલ : પી.જી.વી.સી.એલ.માં એમ.જે.દવે એમ.ડી.

રાજકોટ તા. ૧ : રાજ્‍ય સરકારે ગઇકાલે આઇ.એ.એસ. કેડરના ૯ અધિકારીઓની બદલી કરી તેમાં રાજકોટ શહેર - જિલ્લાના પાંચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. માત્ર જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને યથાવત રાખવામાં આવ્‍યા છે.

રાજકોટના કલેકટર અરૂણ મહેશ બાબુની મહેસાણા ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. તરીકે બદલી કરી હાલ તે સ્‍થાન પર રહેલા અને અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી તરીકે રહી ચૂકેલા પ્રભાવ જોષીને કલેકટર પદે નિયુકત કરવામાં આવ્‍યા છે. રાજકોટના મ્‍યુ. કમિશનર અમિત અરોરાને કચ્‍છમાં કલેકટર બનાવી તેમના સ્‍થાને બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. વરૂણકુમાર બરનવાલને બનાસકાંઠાના કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમના સ્‍થાને મહેસુલ તપાસણી કમિશનર કચેરીના અધિક કલેકટર એમ.જે.દવેને મુકવામાં આવ્‍યા છે. રાજકોટના નિવાસી અધિક કલેકટર તરીકે યશસ્‍વી કામગીરી કરનારા કેતન ઠક્કર આઇ.એ.એસ. કેડરમાં આવ્‍યા પછી પ્રથમ નિમણૂક પોરબંદરમાં ડી.ડી.ઓ. તરીકે કરવામાં આવી છે. ગઇકાલે તેમના જન્‍મદિને જ બદલીનો હુકમ થયો છે. રાજકોટના ડે.મ્‍યુ. કમિશનર આશિષકુમારને પંચમહાલના કલેકટર બનાવાયા છે.

(11:55 am IST)