Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સેવાભાવી સંસ્થાઓ મ્યુ.કોર્પોરેશનનાં માર્ગદર્શન મુજબ રાશનની કીટ પહોચાડેઃ ઉદીત અગ્રવાલ

કેટલાક વિસ્તારોમાં બે થી ત્રણ વખત અનાજ પહોંચે છે અને કેટલાક વિસ્તારોમાં અનાજ પહોચતુ નથીઃ આવુ ન થાય અને તમામ જરૂરિયાત મંદો સુધી રાશન પહોંચે તે માટે તંત્રને સહયોગી થવા મ્યુ.કમિશ્નરની અપીલઃ માર્ગદર્શન માટે ફોન : ૦૨૮૧-૨૪૭૬૭૯૯ માં સંપર્ક કરવો

રાજકોટ,તા.૧: વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં લોકોને અનાજ-રાશનની કીટનું વિતરણ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા થઇ રહ્યું છે. પરંતુ તેવા એકજ વિસ્તારમાં બે થી ત્રણ વખત રાશન મળી ગયું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં રાશન નથી મળ્યું આવી સ્થિતી ન બને તે માટે સેવાભાવી સંસ્થાઓએ મ્યુ.કોર્પોરેશનનાં માર્ગદર્શન મુજબ રાશન વિતરણ કરવા મ્યુ.કમિશ્નરે અપીલ કરી છે.

આ અંગે કમિશ્નરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસ (COVID-19) ના સંક્રમણને નિયંત્રણમાં લેવાના સરકારના પગલાઓના અનુસંધાને લોકડાઉન સ્થિતિમાં શહેરમાં એકલા વસવાટ કરતાં નિઃસહાય વૃધ્ધ વડીલો અને નિરાધાર વ્યકિતઓ ને તેમજ જરૂરિયાતમંદ લોકોને હાલે શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ તથા સેવાભાવી લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે લોકોને રેશન તથા તૈયાર ખોરાક પહોંચાડે છે. જેથી અમુક વિસ્તારમાં ખોરાક તથા રેશન એક થી વધુ વખત પહોંચે છે અને અમુક વિસ્તારમાં સાવ પહોંચતું જ નથી. જેથી આવી પરિસ્થિતી ઉદભવવા ન પામે તથા તમામ વિસ્તારમાં તમામ જરૂરિયાતમંદ લોકોને જરૂરી મદદ મળી રહે તે હેતુ થી હવેથી તમામ સેવાભાવી સંસ્થા / વ્યકિતઓએ પોતાની રીતે મદદ પહોંચાડવાને બદલે સૌ પ્રથમ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર Covid-19 NGO Kit Distribution ટેબ પર રજીસ્ટ્રેશન કરાવી અત્રેથી જણાવવામાં આવે તે વિસ્તારમાં / તેવી વ્યકિતઓને જરૂરી મદદ પહોંચાડવા / કિટ  વિતરણ કરવાની જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેને અનુસરવા અનુરોધ છે જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી કિટ પહોંચે.તથા આ બાબતે વધુ માહિતી / માર્ગદર્શનની જરૂરત જણાયે ફોન - ૦૨૮૧-૨૪૭૬૭૯૯ ઉપર સંપર્ક કરવો.

(3:55 pm IST)