Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન પ્રશ્ન : વાળ ભલા કે ટાલ ?!!

બ્યુટી પાર્લરો, હેર સલુનો બંધ હોવાથી પુરૂષ-મહિલા વર્ગને પડતી પારવાર મુશ્કેલી : રાજકોટના યુવકે તો હાથે જ સફાચટ (ટકો) કરી બે મહિનાની નિરાંત કરી લીધી : સોશ્યલ મિડીયા પોસ્ટમાં પહેલાના-પછીના વિવિધ પોઝના ફોટા મૂકી કશું અજુગતુ ન થયાનું જણાવ્યુ

રાજકોટ : આહ કાળા ઘટાદાર લાંબા વાળ, મહિલાઓ માટે વરદાન અને પુરૂષો માટે હાલ મુશ્કેલી બનતો જાય છે. લોક ડાઉન પિરીયડ પહેલા જે યુવકો-પુરૂષો એ વાળ કટ કરાવ્યા એમને પણ થોડી તકલીફ વધેલા વાળથી થવાની છે, પણ જે ભાઇઓ ચૂકી ગયા છે તે હાલ અવનવા નુસ્ખા (સાધના કટ, પોની, ચોટી !!)નો આશરો લઇ ઘરમાં જ સાર સંભાળ રાખે છે.

તો વળી કોઇ પરણીત પુરૂષ નસીબદાર છે કે તેમના ધર્મપત્ની બ્યુટી પાર્લર ચલાવે છે. અથવા બ્યુટી પાર્લરનું કામ જાણે છે. આ લોકોની ચિંતા વાળની જેમ વધતી નથી!!! સમયે સમયે નિયમિત રીતે વાળ કપાવતા અને લાંબા વાળથી પરહેજ કરતા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે ઉપરાંત ઘરે વાળ કાપવાનો કિમીઓ કરતા જો બરાબર ન કપાય તો શું?

આ મુશ્કેલી રસ્તો પણ રાજકોટના રાજકોટ યુવકે શોધી કાઢ્યો છે. તેમણે વાળ સાવ સફાચટ (ટકો) કરી નાખી લોકડાઉનના સમયમાં ચિંતાને મુળ માંથી જ કાઢી નાખી છે. આટલેથી ન અટકતા નિશીથભાઇ ત્રિવેદી એે પોતાના ફેસબુક અકાઉન્ટ ઉપર બીફોર અને આફટર ફોટા મૂકી ચોખવટ કરી કે ''કોઇ અણબનાવ (દુઃખદ) નથી બન્યો. શોખથી જ સફાચટ કર્યુ છે અને એ પણ સંપૂર્ણ સ્વ-હસ્તે તેમજ ઘરે બેસીને'' હવે નિશીથભાઇને તો બે મહિના ચિંતા નહીં થાય!!!

જો કે નિશીથભાઇની જેમ આવુ સાહસ કરનાર લોકો જવલે જ મળે. આવી હિંમત પણ ન કરે છતા ઘણા ભાઇઓએ ઘરમાં જ કાતર ઉપર કાં હાથ જમાવ્યો હશે અને કાં તો વિચાર જરૂર કરતા હશે.

આવી જ કંઇક સ્થિતિ બહેનોની પણ છે. ભાઇઓ કરતા બહેનોનું પ્રમાણ બ્યુટી ટ્રીટમેન્ટ, હેર કેરમાં ખુબજ વધારે છે, ત્યારે બહેનો પણ બ્યુટી પાર્લરો બંધ હોવાથી મુશ્કેલીનો સામનો તો કરી જ રહી છે.

પૂરૂષોને તો આ સમયમાં ફકત વાળ સેટ થઇ જાય તો પણ ચાલે પણ મહિલાઓ પોતાના સૌંદર્ય માટે સતત જાગૃત રહેતી હોય છે અને તેમની ટ્રીટમેન્ટનું લીસ્ટ પણ લાંબુ હોય છે. તેવામાં હાલ બહેનો ઘરગથ્થુ ઉપચાર તરફ વળી રહી છે. જેમાં હળદર, ચણાનો લોટ, એલોવીરા, મલાઇ વગેરે દ્વારા સાર સંભાળ રાખી રહી છે.

લોકડાઉન દરમિયાન પુરૂષો-મહિલાઓ પોતાના બ્યુટી પાર્લર કે હેર સલુન વાળા ઘરે આવે અને ટ્રીટમેન્ટ કરી આપે તે દીશામાં પણ પગલા માંડવા લાગ્યા છે. અને લોકડાઉનની સ્થિતિ માં ઘરેથી બહાર યોગ્ય કારણ વિના ન નીકળવું જ કોરોનાથી બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઉપાય છે.

(3:33 pm IST)