Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કલેકટર કચેરીએ ૨૦૦ લોકોનું ટોળુ : પોલીસે હાંકી કાઢયા

સસ્તા અનાજના દુકાનદાર વિજય ડોડીયાના કાર્ડ હોલ્ડરો અને ગાંધીગ્રામના કાર્ડ હોલ્ડરો દોડી આવતા દેકારો મચી ગયો : લોકડાઉન છતાં લોકો બહાર આવ્યા કેમ : ઠેર-ઠેર પોલીસ ઉભી છે તો પહોંચ્યા કેવી રીતે : ઉઠેલો ગંભીર સવાલ

કલેકટર કચેરી એ લેડીઝ - જેન્ટસ કાર્ડ હોલ્ડરો આજે સવારે ૧૧ વાગ્યે દોડી આવ્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧ : લોકડાઉનની સ્થિતિમાં રેશનકાર્ડ ધારકોને અનાજ - તેલ વગેરેની કીટનું આજથી દરેક રેશનકાર્ડની દુકાનેથી વિતરણ શરૂ થયું છે ત્યારે આજે પ્રથમ દિવસે જ અનાજની કીટ બાબતે કાર્ડ હોલ્ડરોમાં દેકારો બોલી ગયો છે અને સવારે ૧૦.૩૦ વાગ્યે કલેકટર કચેરીએ ૨૦૦ લોકોનું ટોળુ પહોંચી જતાં પોલીસ અને તંત્ર બંને ચોંકી ઉઠયા હતા. જોકે બાદમાં પોલીસે તમામને હાંકી કાઢયા હતા.

આ અંગેની વિગતો મુજબ આજથી સસ્તા અનાજની દુકાનોએથી રાશનની કીટનું સસ્તા ભાવે વિતરણ શરૂ થતાં જે લોકો અત્યાર સુધી રાશનકાર્ડનું રાશન લેવા જતા ન હતા તેવા લોકો સહિત શહેરભરમાં હજારો કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનોએ ઉમટી પડતા અફડા - તફડીનો માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારમાં વિજય ડોડીયા નામના સસ્તા અનાજના વેપારીના કાર્ડ હોલ્ડરોનું ટોળુ સવારે ૧૦.૩૦ વાગ્યે કલેકટર કચેરી સુધી પહોંચી ગયું હતું.

આમ, ૨૦૦ લોકોનું ટોળુ આ લોકડાઉનની સ્થિતિમાં શહેરની વચ્ચે આવેલી કલેકટર કચેરી સુધી પહોંચી જતા ખુદ કલેકટર પણ ચોંકી ઉઠયા હતા.

કેમકે શહેરમાં ૧૪૪ કલમનો કડક અમલ થઇ રહ્યો છે. ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. આમ, છતાં આટલું મોટું ટોળુ કલેકટર કચેરી સુધી પહોંચ્યું કેમ? તે તપાસનો વિષય બન્યો હતો.

જોકે કલેકટરે તાત્કાલિક પોલીસના કવીક રિસપોન્સ સેલને બોલાવી અને રજૂઆત માટે આવેલા લોકોને પરત ઘરે મોકલી દીધા હતા અને આવી બેદરકારી અંગે જવાબદાર તંત્રનો ઉધડો પણ લીધો હતો.

(3:30 pm IST)