Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જીયાણાના પટેલ યુવાનની હત્યાના કેસમાં બે આરોપીની વધુ એક જામીન અરજી રદ

રાજકોટ તા. ૧: જીયાણા ગામમાં પટેલ યુવાનને એસીડ પીવડાવીને હત્યા કરવાના ગુન્હામાં આરોપી જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણીની ફરી વખત કરેલ જામીન અરજીને અદાલતે રદ કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે જયેશભાઇ છગનભાઇ રામાણી રહેઃ- કબીરવન સોસાયટી, રાજકોટવાળા ચાંદીના દાગલીના બનાવવાનો વ્યવસાય કરતા હતા. આ કામમાં મૃત્યુ પામનાર જયેશભાઇ છગનભાઇ રામાણી ઉ.વ.આ. ૩પ આ કામના ત્હોમતદાર કિશોરભાઇ ચનાભાઇને ચાંદીના દાગીનાનો ઉધાર માલ આપેલ હતો. જે પેટે રૂ. ર૬,૦૦,૦૦૦/- અંકે રૂપિયા છવ્વીસ લાખ પુરા ગુજરનાર જયેશભાઇ છગનભાઇ રામાણીને કિશોરભાઇ ચનાભાઇ પાસેથી લેવાના હોય જેની ઉઘરાણી ગુજરનાર અવાર નવાર આ કામના આરોપી કિશોર ચનાભાઇ પાસે કરતા હોય જેના અનુસંધાને કિશોર ચનાભાઇ ચાંદીના માલ પેટેના રૂપિયા આપતા ન હોય અને ગુજરનાર તેની વારંવાર ઉઘરાણી કરતા હોય જેના ભાગરૂપે ગત તા. પ/૧૧/૧૮ના રોજ આ કામના આરોપી કિશોરે ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને બોલાવેલ અને ગુજરનાર આરોપીના કહેવા મુજબ જીયાણા ગામે ગયેલ અને ત્યાં આ કામના ત્હોમતદાર કિશોર ચના તથા ચના મોહન, જીતેન્દ્ર ઉર્ફે જતીન ચનાએ તેમના જીયાણા ગામે બંને આરોપી ચનાભાઇ તથા જીતેન્દ્ર ઉર્ફે જતીનએ ગુજરનાર જયેશ છગનભાઇ રામાણીને પકડી રાખીને આ કામના આરોપી કિશોર ચનાએ સલ્ફીયુરીક એસીડ પીવડાવેલ હતું.

ત્યારબાદ આ કામના ત્હોમતદાર જીતેન્દ્ર ચનાભાઇ રામાણી તથા ચનાભાઇ મોહનભાઇ રામાણી દ્વારા ચાર્જશીટ બાદ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ અને તે નામંજુર કરેલ ત્યારબાદ ત્હોમતદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ તે પણ વિથ-ડ્રો કરેલ એટલે કે નામંજુર કરેલ અને ફરી વખત ત્હોમતદારોએ તેમના ભાઇ તેમજ સહઆરોપી કિશોરભાઇ ચનાભાઇ રામાણીએ આપઘાત કરેલ હોય અને તેને પોતે પોતાની સામે ખોટો કેસ કરેલ હોય જેથી બદલાયેલા સંજોગોને ધ્યાને લઇ રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ.

આ જામીન અરજીના સંદર્ભે સ્પેશ્યલ પી.પી. નિતેશભાઇ કથીરીયાએ એવી રજુઆત કરેલ કે હાલના ત્હોમતદારો સામે પ્રથમ દર્શનીય કેસ છે બનાવ વખતે તેની હાજરી છે તેમજ પ્રથમથી આઇ.પી.પી. કલમ ૧ર૦(બી) લગાવવામાં આવેલ છે તેમજ ગુજરનારને પી.એમ. રીપોર્ટ મુજબ ર૩ જેટલી ઇજાઓ છે જેથી આ કેસની હકીકત તેમજ ગુન્હાની ગંભીરતા જોતા અને આ કામમાં કોઇપણ બદલાયેલા સંજોગોફ ન હોય જેથી સકસેસીવ બેલ નામંજુર કરવા અરજ કરેલ અને આ કામમાં સ્પે. પી.પી.ની દલીલો અને ગુજરાત હાઇકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ કરેલ.

આ કામે ત્હોમતદારોને જામીન મળવા પાત્ર ન હોય જેથી જામીન અરજી રદ કરવા અરજી કરેલ જેના આધારે અદાલતે આ કામના ત્હોમતદારોની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સ્પે. પી.પી. તરીકે નિતેશ કથીરીયા તથા મુળ ફરીયાદી વતી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ, ખોડુ સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:29 pm IST)