Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટની ૭ દાયકા જૂની એડ એજન્સી 'સેલ સર્વિસ'ના દિપકભાઈ શાહનું અકાળે અવસાન

જૈન અગ્રણીને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો : બહોળુ મિત્ર મંડળ - લોકચાહનાઃ કોપીરાઈટીંગમાં દિપકભાઈ માસ્ટર હતા : રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલની સ્થાપનામાં મહત્વની ભૂમિકા રહી હતી

પરિવાર સાથેની યાદગાર અંતિમ તસ્વીર

રાજકોટ : શહેરની પ્રતિષ્ઠિત એડ એજન્સી અને જૈન અગ્રણી એવા 'સેલ સર્વિસ'ના માલિક દિપકભાઈ શાહનું અકાળે દુઃખદ અવસાન થયું છે. તેઓને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. તેમના અચાનક અવસાન થવાથી પરિવારજનો, મિત્રવર્તુળો, જૈન સમુદાયમાં ભારે શોકની લાગણી છવાઈ છે. 'અકિલા' પરિવારે પણ બે મિનિટ મૌન રાખી સદ્દગતને શ્રદ્ધાંજલી આપી હતી. અકિલાના વડીલો શ્રી કિરીટભાઈ ગણાત્રા અને શ્રી અજીતભાઈ ગણાત્રાએ શ્રી નિલેશ ત્રિવેદી (મનિષ એડ) સાથે સ્વ.શ્રી દિપકભાઈના નિવાસસ્થાને જઈ તેમના પરિવારને સાંત્વના આપી દાયકાઓ જૂના પારિવારિક સ્વજનને અંતિમ વિદાય આપી હતી.

હસમુખા સ્વભાવના અને મિત્રવર્તુળમાં ભારે લોકચાહના મેળવનાર એવા દિપકભાઈ શાહને ગઈકાલે અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેઓને ત્વરીત ધોરણે વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેઓનું માર્ગ ઉપર જ અવસાન થયું હતું. ત્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. સદ્દગતની સ્મશાનયાત્રા રાત્રીના ૧૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

એડ એજન્સીની દુનિયામાં નામના ધરાવતી એવી 'સેલ સર્વિસ' આશરે ૭ દાયકા જૂની પેઢી છે. સ્વ. દિપકભાઈના પિતા સ્વ.સુમતીચંદ્ર આ પેઢી ચલાવતા.

સ્વ.સુમતીચંદ્ર પોપટભાઈ શાહના પુત્ર દિપકભાઈ (ઉ.વ.૫૮) તે મીતાબેનના પતિ તથા ચિ.ખુશાલી તેમજ ચિ.સ્તુતિના પિતાશ્રી તથા કિશોરભાઈ મગનલાલ દોશી (જામનગર)ના જમાઈ તેમજ સ્મિતાબેન અજીતકુમાર મહેતા (મોરબી)ના ભાઇનું તા.૩૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા તમામ લૌકિક ક્રિયાઓ તાજેતરના કોરોના વાયરસના કારણે બંધ રાખેલ છે.

તમારા જેવા મિત્રો હોય પછી મારે શું ચિંતા

દિપકભાઈ આ શબ્દો કાયમ કહેતા

રાજકોટ : 'તમારા જેવા મિત્રો હોય પછી મારે શું ચિંતા' જયારે કોઈપણ મિત્ર મળે ત્યારે દિપકભાઈ તેના મિત્રોને આ શબ્દ કાયમ કહેતા. દિપકભાઈ રાજકોટના ટોચના વેપાર ઉદ્યોગગૃહો, હોસ્પિટાલીટી બિઝનેસ હોટેલીયર વગેરે સાથે ખૂબ સારો ધરોબો ધરાવતા હતા. તેમના મિલનસાર અને હસમુખા વિવેકી સ્વભાવને કારણે મીડિયામાં પણ તેમનું આગવુ સ્થાન હતું. કોપીરાઈટીંગના પણ તેઓ માસ્ટર હતા. રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલની સ્થાપનામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. હાલમાં લોકડાઉન આવતા તેમણે આરએસીના અગ્રણી વિજ્ઞાપનકાર તરીકે એડ એજન્સી અને મીડિયા હાઉસ વચ્ચે કડી બનવાની કામગીરી જીવનની છેલ્લી ઘડી સુધી બજાવી હતી.

(11:59 am IST)
  • પ્રયાગરાજની અબદુલ્લા મસ્જીદમાંથી સાત ઈન્ડોનેશીયાઈ નાગરીકો મળ્યાઃ આ તમામ દિલ્હીના મરકઝમાં ગયા હતાઃ તેમના સંપર્કમાં આવનાર ૨૮ અન્ય લોકોને કવોરનટાઈનમાં રખાયા છે access_time 3:33 pm IST

  • અમેરિકામાં ૪,૦૫૫ મોત : વિશ્વભરમાં ૪૨૩૪૦ના મોત નોંધાયા : મ.પ્ર.માં કોરોના દોડ્યોઃ ૨૦ નવા કેસ : કુલ ૮૬ કેસ : વિશ્વમાં કુલ કેસ ૮,૫૯,૭૭૦ થયા access_time 1:13 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ મુલત્વી રહે તો આઈપીએલ ઓકટોબર-નવેમ્બરમાં રમાડી શકાયઃ બીસીસીઆઈ : આઈપીએલ રમાડવો કે નહિં એ અંગે બીસીસીઆઈએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથીઃ જો કે ટી-૨૦ વર્લ્ડકપ જો પોસ્ટપોન્ડ કરવામાં આવે તો આઈપીએલ રમાડી શકાયઃ વર્લ્ડ ટી-૨૦ મુલત્વી રાખવી એ પણ પડકાર ગણાશે કારણ કે જો આ ટૂર્નામેન્ટ રદ થાય તો ૨૦૨૨માં રમાડી શકાય access_time 3:58 pm IST