Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

સેવાધર્મ મહાન છે

સાધુ બ્રાહ્મણની સેવા કરતા ભવસાગર તરાશે રે, ભોજો ભગત કહે ગુરૂ પ્રતાપે ગુણગોવિંદના ગાશે રે.

ભોજો ભગત કહે છે, સાધુઓ અને બ્રાહ્મણોની સેવા કરતાં કરતાં ભવસાગર પાર કરી જવાય છે અને આવા ભકતો ગોવિંદના ગુણોના સંકિર્તનમાં જ મગ્ન રહેશે, એ ગુરૂની કૃપા છે. અહિં સાધુ એટલે બાવા નહિં અને બ્રાહ્મણો એટલે બ્રાહ્મણ જાતિ નહિં પણ જેનામાં ‘‘સાધ'' આવી છે તે સાધુ. જેને જગત અસત્‌ સમજાયુ છે અને જગન્‍નાથ સત્‍ય જણાયા છે તે સાધુ. જે સાધના કરીને સિદ્ધ બની ગયા છે તે સાધુ, અથવા જેઓ અહંકારરહિત બનીને બીજાના કાર્યો સાધી આપે છે તે સાધુ ! પ્રભુપ્રેમમાં મસ્‍ત બનેલા બધા જ ભકતો સાધુઓ છે અને બ્રાહ્મણ એટલે બ્રાહ્મણકુળમાં જન્‍મેલા વિપ્રો એવો અર્થ અહિં નથી. જેનું મન ‘બ્રહ્મ'માં રમે છે તે બ્રાહ્મણ. (યસ્‍ય બ્રહ્મણી રમતે ચિત્તમ્‌ &&) જેની પ્રજ્ઞા સ્‍થિર થઈ છે તે સ્‍થિતપ્રજ્ઞ એટલે બ્રાહ્મણ !

ભગવાન બુદ્ધે એના ‘ધમ્‍મપદ' ગ્રંથમાં બ્રાહ્મણ કોને કહેવાય તેનું આખુ પ્રકરણ આપ્‍યું છે. તેણે કહ્યું છે : ‘જટા રાખવાથી બ્રાહ્મણ થવાતું નથી, તેમ અમુક જાતિમાં જન્‍મ લેવાથી બ્રાહ્મણ થવાતુ નથી. પરંતુ જેનામાં સત્‍ય, ધર્મ, પવિત્રતા, સંયમ અને વિશુદ્ધ જ્ઞાન છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું' આવા બ્રાહ્મણો જ ખરેખર પૃથ્‍વીના ઉપરના ‘ભૂદેવો' છે ! આ લક્ષણો જેનામાં હોય એવા સાધુઓ અને બ્રાહ્મણો જ ખરેખર જગતમાં વિચરતા દેવો છે. ભોજા ભગતે કહ્યું છે : ‘ભકત અને ભગવંત તો એક કરી જાણવા' આમ સાધુ - બ્રાહ્મણની સેવા એ જ દેવસેવા છે અને આમ દેવસેવા કરતાં કરતાં ભવસાગર જે દુસ્‍તર છે, તેને પણ તરી શકાય છે.

વળી એ પણ યાદ રાખવા જેવું છે કે જે વ્‍યકિત સાધુ - બ્રાહ્મણની સેવા કરશે. તેનામાંથી ભેદદૃષ્‍ટિ અદૃશ્‍ય થઈ જશે. એ પછી સમસ્‍ત માનવજાતિની સેવા કરશે. માત્ર ચેતનસૃષ્‍ટિ જ નહિં સમગ્ર બ્રહ્માંડ એને માટે પૂજનીય બની જશે. એને તો બધામાં રામ દેખાશે. આવા રામમય બની ગયેલા ભકતો ગોવિંદના ગુણગાનમાં જ લીન હોય છે. આમ સેવા એ પ્રભુપ્રાપ્‍તિનું એક સરળ અને હાથવગુ સાધન છે. ભોજા ભગતે એના એક પદમાં એમ કહ્યું છે, ‘તમે કશું ન કરો, માત્ર સાધુના ચરણની સેવા કરો, તમે તરી જશો' તેઓ કહે છે : સાધુના ચરણે વરસેલ મૃત્‍યુ. સાધુના ચરણમાંથી સ્‍વાતિ નક્ષત્રની જલધારા વરસે છે, એ ઝીલવાથી તમારા અંતરની છીપમાં પ્રભુ પ્રેમનું સાચુ મોતી પાકશે.

મનસુખલાલ સાવલીયા

રાજકોટ - મો.૯૮૭૯૩ ૧૨૪૫૪

(12:59 pm IST)