Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

રાજકોટથી PM મોદી લડશે, મોહનભાઇનું નામ રદ

સૌરાષ્ટ્રની પરિસ્થિતિ પામી જઇ ખુદ વડાપ્રધાને મેદાને ઉતરવાનો નિર્ણય કર્યોઃ ભાજપમાં અભૂતપૂર્વ ઘટના : કુંડારિયા કહે છે વડાપ્રધાન માટે બેઠક ખાલી કરવી એ મારૂ સૌભાગ્યઃ કાલે નરેન્દ્રભાઇ વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરશે

રાજકોટ તા.૧: લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડારિયાનું નામ જાહેર થયેલ અને તેમણે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આજે જ અચાનક કેન્દ્રીય નેતાગીરીએ મોહનભાઇની પસંદગી રદ કરી ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજકોટમાં લડાવવાનું નક્કી કરતા કેસરિયા છાવણીમાં આશ્ચર્ય સાથે ઉત્સાહ ફેલાઇ ગયો છે.

આજના યાદગાર દિવસે ભાજપના ટોચના વર્તુળોએ જણાવેલ કે ચૂંટણી જાહેર થયા પછી સૌરાષ્ટ્ર ભાજપમાં જે પરિસ્થિતિ ઉભી થઇ તે જોતા ખુદ મોદીની ઉમેદવારી સૌરાષ્ટ્રમાંથી થાય તે ઇચ્છનીય જણાયું હતું. તેઓ રાજકોટથી લડે તો આખા સૌરાષ્ટ્રમાં ભાજપ માટે તેની સારી અસર પડે. સુરતની બેઠકમાં ભાજપના ઉમેદવારનું નામ હજુ જાહેર ન થયું હોવાથી વડાપ્રધાન બીજી બેઠક તરીકે સુરતની પસંદગી કરે તેવી ધારણા હતી પરંતુ તેઓ કારકીર્દિની પહેલી ચૂંટણી રાજકોટ(ધારાસભા)થી લડયા હોવાથી હવે લોકસભા લડવા માટે પણ રાજકોટની પસંદગી કરી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગાંધીનગરથી ચૂંટણી લડી રહયા છે. હવે વડાપ્રધાને વારાણસી ઉપરાંત બીજી બેઠક તરીકે રાજકોટની પસંદગી કરતા પાર્ટીના બન્ને મુખ્ય નેતાઓ ગુજરાતથી લડે તેવો અભૂતપૂર્વ અવસર આવ્યો છે.

પહેલા મોહનભાઇનું નામ જાહેર કરવું અને પછી વડાપ્રધાન ચૂંટણી લડવા આવે તે બાબતને રાજકીય નિષ્ણાંતો ભાજપની વ્યુહરચનાનો ભાગ ગણાવે છે. વડાપ્રધાન કાલે સવારે ૧૧ વાગ્યે બહુમાળી ભવન ચોકમાં સભા સંબોધ્યા બાદ કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજુ કરવા જશે.

સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવેલ કે નરેન્દ્રભાઇ મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવી મેં અગાઉ પણ ઇચ્છા વ્યકત કરેલ. તેમના માટે બેઠક ખાલી કરવી પડે તે બાબતને હું મારૂ સૌભાગ્ય સમજું છું. રાજકોટ લોકસભા ક્ષેત્ર ભાજપનો ગઢ છે. વડાપ્રધાન વિક્રમસર્જક બહુમતીથી જીતશે.

(12:28 pm IST)