Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જિલ્લા પંચાયતમાં પરિવર્તનનો અણસારઃ કાલે જનાદેશ જાહેર

ગયા વખતે બે જ બેઠકો મેળવનાર ભાજપ આ વખતે જોર પકડશેઃ કોટડા, વીંછીયા, ઉપલેટા, પડધરી, ડુમીયાણીમાં કોંગ્રેસ માટે સારી તકઃ ૩૬ બેઠકોમાં સરેરાશ ૬૩% મતદાન

રાજકોટ તા. ૧ :.. જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ૧૯૭ બેઠકો માટે ગઇકાલે મતદાન પૂર્ણ થઇ ગયું છે. આવતીકાલે મત ગણતરી  થનાર છે. જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં સરેરાશ ૬૩ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. છેલ્લા પ વર્ષથી કોંગીના હાથમાં રહેલી જિલ્લા પંચાયતમાં આ વખતે ભાજપ મેદાન મારી જાય તેવા અણસાર મળી રહ્યા છે. જો કે સત્ય તો મત ગણતરી વખતે જ સામે આવશે.

ર૦૧પની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપને રાજકોટ અને ગોંડલ તાલુકામાં એક-એક મળી કુલ માત્ર બેજ બેઠકો મળી હતી. બન્ને બહેનો ચૂંટાયા હતાં. આ વખતે પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. રાજકોટ તાલુકામાં સીમાંકનમાં ફેરફાર થયો છે. નવા કૃષિ કાયદા, મોંઘવારી, વિકાસ, કાયદો વ્યવસ્થા વગેરે મુદા પરિણામ પર અસરકર્તા બનશે.

કોંગ્રેસના વર્તુળો પોતાની પાર્ટીને ૧૦ થી ૧પ બેઠકો મળવાનું સ્વીકારે છે. સતાવાર રીતે બહુમતીનો દાવો કરે છે. ભાજપના વર્તુળો ૩૦ આસપાસ બેઠકો સાથે સતા મેળવવા આશાવાદી છે કોંગ્રેસ માટે કોટડાસાંગાણી, ડુમીયાણી, વીછીયા અને ઉપલેટા, તાલુકાની એક-એક સહિત પાંચેક બેઠકો ખૂબ સારી ગણાય છે.રાજકોટ તાલુકામાં સરધાર બેઠકમાંં ભાજપ કપરા ચઢાણ માને છે. બાકીની બધી બેઠકોમાં જીત નિશ્ચિત માને છે. જિલ્લા પંચાયતમાં પરિવર્તન થાય છે. કે પુનરાવર્તન ? તે કાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

(4:56 pm IST)