Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને હોશભેર આવકારઃ૭૦૦ વડિલોએ મુકાવી રસી

૩૮ સ્થળોએ સવારથી જ રાજકીય આગેવાનો, ભાજપ અગ્રણી, વેપારી આગેવાનો, સામાજીક અગ્રણીઓએ હોંશભેર રસીકરણ કરાવ્યું

રાજકોટ, તા. ૧ :  આજથી કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવાનો ત્રીજો તબક્કો શરૂ થયો છે ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરનાં વરિષ્ઠ નાગરિકો સહિત ૬૦ વર્ષથી વધુ ઉમરનાં સીનીયર સીટીઝનોને રસી મુકાવી લેવા અંગત અપીલ કરી હતી. આ અપીલને માન આપી બપોર સુધીમાં ૭૦૦ વરિષ્ઠ નાગરિકોએ રસી મુકાવી હતી.

કેન્દ્ર સરકાર  અને રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આજે તા.૧-૩-૨૦૨૧થી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના સંતો, નામાંકિત મહાનુભાવો, તેમજ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવોએ રસી લીધી હતી.

સિનિયર સિટીઝન વેકિસન લેવામાં ડર ના રાખે તે માટે રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે જલારામ હોસ્પિટલ ખાતે સવારે ૯.૦૦ વાગ્યે સિનિયર સિટિઝનો અને ૯.૩૦ વાગ્યે સંતોએ કોરોના વેકસીન લીધી હતી. તેમજ ચિત્ર નગરી પરિવારના આશરે ૩૦ લોકો સવારે ૧૧.૦૦ વાગ્યે સદર બજારના આરોગ્ય કેન્દ્ર રેડ ક્રોસ, કુંડલિયા કોલેજની બાજુમાં સ્લોગન લખેલા વાક્યો વેકિસન થી ડરો નહિ અચૂક વેકિસન મુક્કાવવો, સરકારને સપોર્ટ કરીએ વેકિસન મુકાવવીએ વગેરે સલોગનના પ્લે કાર્ડ સાથે ઉત્સાહપૂર્વક વેકિસન લીધી હતી. કોરોના રસીકરણ અભિયાન અનુસંધાને જાગૃતિ માટેના આ અભિયાનમાં જોડાવવા વધુને વધુ સિનિયર લોકોને પ્રેરણા મળે તે માટે શહેરના અનેક નામાંકિત નાગરિકોએ આજે વેકસીન લીધી હતી. જેમાં બી.એ.પી.એસ.ના સંતો, આર્ષ વિદ્યા મંદિરના સંત  સ્વામી પરમાત્માનંદજી,  અલ્કાબેન અભયભાઈ ભારદ્વાજ, ભૂતપૂર્વ મેયર  ગોવિંદભાઈ સોલંકી, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર  જશુમતીબેન વસાણી, ભૂતપૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  બીપીનભાઈ અઢીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર  ડૉ. કમલેશ જોશીપુરા, ભૂતપૂર્વ કોર્પોરેટર  મીનાબેન પારેખ, શેઠ બિલ્ડર્સના  ચંદ્રકાંતભાઈ શેઠ અને  મુકેશભાઈ શેઠ, એડવોકેટ  જયંત પંડ્યા, ડૉ. નિલેશ શાહ, જોહર કાર્ડસવાળા  યુસુફભાઈ, રાજકોટ નાગરિક સહકારી બેન્કના  નિલેશભાઈ શાહ, ભૂતપૂર્વ કોર્પોરેટર  મુરલીભાઈ દવે, ગેલેકસી સિનેમા ગ્રુપના  રશ્મીકાંત પટેલ તથા  રાજેન્દ્રભાઈ પટેલ, ભાજપ અગ્રણીઓ  મેહુલભાઈ શાહ,  અનિલભાઈ પારેખ, તેમજ બિઝનેસમેન  અરવિંદભાઈ લાખાણી,  મુકેશભાઈ દોશી, સરગમ કલબના પ્રમુખ  ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  વી.પી.વૈષ્ણવ, પ્રફુલ કાથરોટીયા, ડો. ડી.કે. શાહ, પૂર્વ સ્ટે. ચેરમેન મનસુખલાલ પટેલ, પ્રજાપતિ સમાજના અગ્રણી મોહનભાઇ વાડોદરીયા વગેરે મહાનુભાવોએ વેકસીન લીધી હતી.

 તા. ૧લી માર્ચ, ૨૦૨૧ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે આવતીકાલથી શરૂઆતના તબક્કે ૩૮ હોસ્પિટલોમાં (૨૪ - સરકારીૅ ૧૪ - ખાનગી) રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશૅં તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

 આ સ્થળોએ વેકેસીન લઇ શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ જે સરકારી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલ, સદર UHC, જંકશન UHC, રામનાથપરા UHC, નારાયણનગર UHC, AHMP UHC, ન્યુ રઘુવીર UHC,હુડકો UHC, ભગવતીપરા UHC, મોરબી રોડ UHC, IMA UHC, કબીરવન UHC, રામપાર્ક UHC, CVD UHC, પ્રણામી ચોક UHC, કોઠારીયા UHC, શ્યામનગર UHC, વિજય પ્લોટ UHC, નાનામવા UHC, નંદનવન UHC, મવડી UHC અને આંબેડકર UHCનો સમાવેશ થાય છે. જયારે  રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અનિષ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, HCG હોસ્પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ, ઓલયમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ,  સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, ર્સ્ટલિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટસ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આ રસીકરણ સંદર્ભે ગઈકાલે તા.૨૮-૨-૨૦૨૧ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે ત્રણેય નાયબ કમિશનર ઓ  બી.જી.પ્રજાપતિ,  એ.આર.સિંહ અને  ચેતન નંદાણી ઉપરાંત આરોગ્ય અધિકારી ડૉ. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ઓ ડૉ. પંકજ રાઠોડ, ડૉ. મનીષ ચુનારા, તેમજ અન્ય તબીબો અને તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને તમામ વરિષ્ઠ અધિકારી ઓએ પોતાના ઝોન અને વોર્ડમાં રસીકરણની કામગીરી માટે જરૂરી આયોજન અને વ્યવસ્થા ગોઠવી હતી.

(4:49 pm IST)