Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બાલભવનમાં વસંતોત્‍સવની ઉજવણી

બાલભવન વસંત પંચમી નિમીતે સંગીત, કથક, ફોક-વેસ્‍ટર્ન ડાન્‍સ વિભાગનાં બાલસભ્‍યો દ્વારા સંગીત સભર નૃત્‍યનો કાર્યક્રમ રજુ કરી અને માતા સરસ્‍વતીની વંદના સાથે ઉલ્‍હાસ પૂર્વક વસંતોત્‍સવને વધાવ્‍યો હતો. જે અંતર્ગત ટ્રાફિક સપ્‍તાહ સંલગ્ન યોજાયેલ રંગપૂરણી-ચિત્ર અને નિબંધ સ્‍પર્ધાનાં રીવા વિઠલાણી, વીર સુરતી, નૈત્રી ઝીંઝુવાડીયા, નીર્વી કોઠારી, દેવાંશી જોષી, શ્રેયા ચાવડા, પ્રાપ્‍તી ભીમાણી, ભકિત વાડોદરિયા, ફોરમ ચાવડા, રાજવી આવડેસરા, રોનિત ત્રિવેદી સહિતના વિજેતાઓને સન્‍માનિત કરવા ડેપ્‍યુટી કમિશ્‍નર ઓફ પુલીસ શ્રી પુજાબેન યાદવ, આસી. કમિશ્‍નર શ્રી જે. બી. ગઢવી, ટ્રાફિક શાખાનાં પોલીસ ઇન્‍સ્‍પેકટર નીતિન વ્‍યાસ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલ. બાલભવન રાજકોટનાં માનદ્દ મંત્રી મનસુખભાઇ જોષીનાં આગ્રહવશ ઉપસ્‍થિત મહેમાનો સાથે બાલભવનનાં ટ્રસ્‍ટી ડો. અલ્‍પાબેન ત્રિવેદી (હેલીબેન) દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆતને દિપાવી હતી. બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસનાં આયોજન હેઠળ કાર્યક્રમ ૯પ જેટલાં બાળકોએ મીનાબેન, રમણભાઇ, ઝાકિરભાઇ, માલાબેન, શૈલીબેન તથા પૂર્વીબેનનાં નૃત્‍ય-સંગીત નિર્દેશન હેઠળ પોતાની કૃતિઓ દ્વારા ઉપસ્‍થિત મહેમાનો તેમજ વાલી-દર્શકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ધર્મેન્‍દ્ર પંડયાનાં સંગીત સંકલન સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્‍યાસ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(3:59 pm IST)