Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હુડકો ચોકડીએ વેફર લેવા નીકળેલા પાંચ વર્ષના ગોૈતમનું બોલેરોએ ઉલાળી દેતાં મોત

ઝૂપડામાં રહેતાં પરિવારે લાડકવાયો ગુમાવતાં અરેરાટીઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે બોલેરોની ઠોકરે ચડી જતાં વેફર લેવા નીકળેલા પાંચ વર્ષના બાળકનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ હુડકો ચોકડી પાસે કનૈયા ડેલાની બાજુમાં ઝૂપડામાં રહેતાં દેવરાજભાઇ સંચાણીયાનો પુત્ર ગોૈતમ (ઉ.વ.૫) સવારે ઘરેથી નજીકમાં વેફર લેવા ગયો હતો.

એ વખતે રસ્‍તો ઓળંગતો હતો ત્‍યારે બોલેરોની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં બોલેરો ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધવા તજવીજ કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર ગોૈતમ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના પિતા દેવરાજભાઇ સંચાણીયા-દેવીપૂજક છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. લાડકવાયાના મૃત્‍યુથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(3:54 pm IST)