Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાજકોટ જિલ્લામાં ગાય માતાના નિભાવ માટે ૫ કરોડની સહાય ચૂકવાઇ

રાજકોટ તા. ૧ : પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિ અને હિન્‍દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્‍યંત આવશ્‍યક અને પુજનીય પ્રાણી છે. હિન્‍દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દુધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. 

વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાનશ્રીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્‍તિ ધામ અંબાજી ખાતેથી કરાવ્‍યો હતો.

આ  યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજકોટના કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ આ યોજનાના ત્‍વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્‍વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે.         

આ અંગે વધુ વિગતો આપતા પશુપાલન અધિકારી ડો. ખાનપરાએ જણાવ્‍યું હતું કે રાજય સરકારની મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત બે રીતે સહાય ચુકવવામાં આવે છે. એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને જિલ્લા કક્ષાએથી અને એક હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્‍થાઓને રાજય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા ૭૩ સંસ્‍થાના ૯૫૨૪ પશુઓ માટે દૈનિક રૂપિયા ૩૦ લેખે ઓક્‍ટોબર નવેમ્‍બર અને ડિસેમ્‍બર માસના ૯૨ દિવસના રૂ. ૨,૬૨,૮૬,૨૪૦/- રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આવી જ રીતે અન્‍ય પાંચ સંસ્‍થાઓ પાસે ૯,૬૦૩ જેટલું પશુધન છે અને તેમને રાજયકક્ષાએથી ૨,૬૫,૦૪,૨૮૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

(3:03 pm IST)