Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પંચાયત પરિષદની બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રશ્‍નોને વાચા આપતા ભૂપત બોદર

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે ગાંધીનગર ખાતે પંચાયત પરિષદની બેઠકમાં હાજરી આપેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૧: ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પરિષદના હોદેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્તમાન પંચાયતી રાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ મુખ્‍યત્‍વે ગુજરાત પંચાયત પરિષદ અને રાજય સરકારના સહયોગથી પંચાયતી રાજના પદાધિકારી માટે અધ્‍યતન તાલીમ કેન્‍દ્ર બનાવવા અંગે રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવેલ.

બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને પંચાયત પરિષદના ઉપાધ્‍યક્ષ ભુપતભાઈ બોદરે પંચાયત વિભાગને લગત વિવિધ પ્રશ્નો જેવા કે જેમ પોર્ટલમાં ખરીદી કરવામાં ગ્રામ્‍ય લેવલે પડતી મુશ્‍કેલીઓ , રાજકોટ જિલ્લા પંચાયત ભવન ના નવા બિલ્‍ડીંગ ને સૈદ્ધાંતિક મંજૂરી , જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોમાં ઘટતા સ્‍ટાફની પૂર્તતા કરવા , ગ્રામ્‍ય વિસ્‍તારમાં મંજુર થતા નવા રોડ રસ્‍તાઓને જૂની ટ્રાફિક પેટર્નના બદલે વર્તમાન ટ્રાફિક પેટર્નને ધ્‍યાનમાં રાખી વધારે થિકનેસ અને ગુણવત્તા યુક્‍ત રસ્‍તાઓ બનાવવા , ગ્રામ્‍ય વિસ્‍તારના જે ગામોમાં ભૂગર્ગ ગટર તેમજ પાણીના કામો પૂર્ણ થઈ ગયેલા છે ત્‍યા ઉદ્વવતા ટાઇડ-અનટાઇડ ગ્રાન્‍ટ ના પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી તેમજ રાજકોટ જીલ્લા પંચાયત તરફ થી સરકારમાં મોકલાવેલ ૧૫ માં નાણાપંચના આયોજનને ઝડપી મંજૂરી આપવી જેવા મુદ્દે વિગતવાર રજુઆત પંચાયત પરિષદ ની બેઠક મા તેમજ આ તમામ બાબતો અંગે રાજય ના પંચાયત રાજય મંત્રી બચુભાઈ ખાબડ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

બેઠકમાં પંચાયત પરિષદ પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પંચાયત પરિષદ ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ ,પંચાયત પરિષદ માનદ મંત્રી ભરતભાઈ ગાજીપરા, પંચાયત પરિષદના કોઓર્ડીનેટર અને સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પંચાયત પરિષદ કન્‍વીનર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પંચાયત પરિષદ પ્રભારીઓ , જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ એસ આહીર, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્‍યામભાઈ વિરાણી તથા પંચાયત પરિષદ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત કચ્‍છના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીર ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:00 pm IST)