Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

આજીડેમ ચોકડી નજીક અજાણ્‍યા બાઇકે ઠોકર મારતા બે મહિલા સહિત ત્રણને ઇજા

રોડ ક્રોસ કરતી વખતે બનાવ : નયનાબેન મકવાણા, સુરતના રેખાબેન સોલંકી તેનો પુત્ર વિહાન સારવાર હેઠળ

રાજકોટ,તા. ૧ : આજીડેમ ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે અજાણ્‍યા બાઇકના ચાલકે પુરઝડપી આવી બે મહિલા અને એક બાળકને ઉલાળતા ત્રણેયને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

મળતી વિગત મુજબ બોટાદના ઇતરીયાગામના હાલ આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક શેરી નં. ૩માં રહેતા ચંદુભાઇ શંભુભાઇ મકવાણા (ઉવ.૨૫)એ આજીડેમ પોલીસ મથકમાં અજાણ્‍યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ચંદુભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે ગોંડલ રોડ પર શુભ પ્‍લાસ્‍ટી કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ કાલે પોતે નોકરીએ થી ઘરે આવેલ ત્‍યારે સુરતમાં રહેતા સાળા વિજય વિરજીભાઇ સોલંકીનો ફોન આવેલ અને કહેલ કે અમે સુરત જવા માટે તમારા ઘરેથી ચાલીને ગ્રીનલેન્‍ડ ચોકડીએ ટ્રાવેલ્‍સમાં બેસવા માટે જવા હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે ગોંડલ ચોકડી તરફથી એક બાઇકનો ચાલક પુરઝડપે આવી તમારા પત્‍ની નયનાબેન મકવાણા (ઉવ.૩૬) અને મારી પત્‍ની રેખાબેન સોલંકી (ઉવ.૩૯) અને પુત્ર વિહાન (ઉવ.૫) ત્રણેયને હડફેટે લેતા ઇજા થઇ છે. તેમ જણાવતા પોતે તુરત જ સ્‍થળ પર દોડી ગયા હતા. ત્‍યાં ત્રણેયને માથામાં, હાથમાં ઇજા થઇ હતી. અકસ્‍માત સર્જી ચાલક બાઇક લઇને ભાગી ગયો હતો. બાદ પોતે ૧૦૮માં જાણ કરતા ત્રણેયને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે ચંદુભાઇ મકવાણાની ફરિયાદ પરથી અજાણ્‍યા બાઇક ચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. એચ.એમ.ધરજીયાએ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)